IPL 2025 : જો પંજાબ અને RCB વચ્ચેની ક્વોલિફાયર-1 મેચ રદ્દ થાય, તો ફાઈનલ કોણ રમશે? જાણો શું છે નિયમ

IPL 2025ની પ્લેઓફ મેચો 29 મે થી શરૂ થવા જઈ રહી છે. ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ જીતનાર ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. પરંતુ જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થાય તો ફાઈનલ કોણ રમશે? જાણો શું છે નિયમ.

IPL 2025 : જો પંજાબ અને RCB વચ્ચેની ક્વોલિફાયર-1 મેચ રદ્દ થાય, તો ફાઈનલ કોણ રમશે? જાણો શું છે નિયમ
PBKS vs RCB
Image Credit source: PTI
| Updated on: May 28, 2025 | 9:47 PM

IPL 2025માં લીગ સ્ટેજની મેચો પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્લેઓફ મેચો 29 મે થી શરૂ થશે. IPL 2025ની ક્વોલિફાયર-1 મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે મોહાલીના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહથી ભરપૂર રહેશે, કારણ કે બંને ટીમો ફાઈનલમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે, તો કઈ ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. તમને જણાવી દઈએ કે, BCCIએ પ્લેઓફ માટે ખાસ નિયમો બનાવ્યા છે.

પંજાબ અને RCB વચ્ચે ક્વોલિફાયર-1 મેચ

IPL ક્વોલિફાયર-1 એ પ્લેઓફનો પહેલો મોટો તબક્કો છે, જેમાં લીગ તબક્કાની ટોચની 2 ટીમો એકબીજાનો સામનો કરે છે. આ મેચની વિજેતા ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરે છે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર-2 માં બીજી તક મળે છે. RCB અને પંજાબ કિંગ્સ બંને મજબૂત ટીમો છે, અને આ સિઝનમાં તેમના પ્રદર્શને ચાહકોના દિલ જીતી લીધા છે. RCB તેની આક્રમક બેટિંગ અને સંતુલિત બોલિંગ માટે જાણીતું છે, જ્યારે પંજાબ કિંગ્સની તાકાત તેની વિસ્ફોટક બેટિંગ અને અનુભવી બોલરોમાં રહેલી છે.

મેચ રદ્દ થાય તો પંજાબ ફાઈનલમાં

પરંતુ IPL જેવી મોટી ટુર્નામેન્ટમાં, હવામાનની અનિશ્ચિતતા હંમેશા એક પડકાર રહી છે. આ સિવાય ક્વોલિફાયર-1 મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદ, ખરાબ હવામાન અથવા અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે, તો એક ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. આ સ્થિતિમાં, લીગ તબક્કામાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમને ફાયદો થશે અને તેને ફાઈનલમાં ટિકિટ મળશે. તમને જણાવી દઈએ કે, પંજાબ લીગ તબક્કામાં પ્રથમ સ્થાને રહ્યું અને RCB બીજા સ્થાને રહ્યું. આનો અર્થ એ થયો કે જો ક્વોલિફાયર-1 રદ્દ થાય છે તો પંજાબ ફાઈનલમાં પહોંચશે અને RCBએ ક્વોલિફાયર-2 રમવું પડશે.

લીગ સ્ટેજમાં બંને ટીમોનું પ્રદર્શન

IPL 2025ના લીગ સ્ટેજમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સનું પ્રદર્શન અન્ય ટીમો કરતા ઘણું સારું રહ્યું હતું. પંજાબ કિંગ્સે 14 માંથી 9 મેચ જીતી અને માત્ર 4 મેચ હારી હતી. જ્યારે એક મેચ અનિર્ણિત રહી. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પણ લીગ તબક્કામાં 9 મેચ જીતી હતી અને ફક્ત 4 મેચ હારી હતી. પરંતુ નેટ રન રેટના કારણે તે પંજાબથી પાછળ રહી ગયું.

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવે IPL 2025ની વચ્ચે નિવૃત્તિની પોસ્ટ કરી, સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:47 pm, Wed, 28 May 25