
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે IPL 2025માં છેલ્લી બંને મેચ જીતી જોરદાર વાપસી કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ IPLની સૌથી સફળ ટીમોમાંની એક છે અને અત્યાર સુધીમાં 5 ટાઈટલ જીત્યા છે. દર વર્ષે આ ટીમ સ્ટાર ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓને વધુ મહત્વ આપે છે. મહાન સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પણ આ ટીમનો ભાગ છે. તે છેલ્લા ઘણા સિઝનથી આ ટીમ સાથે જોડાયેલો છે. પરંતુ તેને હજુ સુધી ચાલુ સિઝનમાં રમવાની તક મળી નથી. આ બધા વચ્ચે, તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં તે એક કાફેમાંથી બહાર આવીને પોતાની કારમાં બેસતો જોવા મળે છે. આ દરમિયાન, તે ઉતાવળમાં દેખાયો અને કારના દરવાજા સાથે પણ અથડાઈ ગયો. આવી સ્થિતિમાં, ચાહકોએ આ વીડિયો પર વિવિધ ટિપ્પણીઓ કરી. એક ચાહકે લખ્યું, ‘શું તે નશામાં છે.?’ જ્યારે અન્ય એક ફેને લખ્યું, ‘શું ભાઈ દારૂ પીધો છે?’ એક ચાહકે તો મજાકમાં લખ્યું, ‘તે ગુસ્સામાં જઈ રહ્યો છે કારણ કે તેને રમાડવવામાં આવી રહ્યો નથી.’
અર્જુન તેંડુલકર 2021થી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે. જોકે, ઈજાને કારણે તે 2021ની સિઝનમાં રમી શક્યો ન હતો. આ પછી તેને 2022 સિઝનમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. ત્યારબાદ 2023માં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિઝનમાં તેણે ચાર મેચમાં ત્રણ વિકેટ લીધી. 2024માં તેને ફક્ત એક જ મેચ રમવાની તક મળી, પરંતુ તે નિષ્ફળ ગયો. આ વખતે મુંબઈએ તેને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો, પરંતુ અત્યાર સુધી તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.
આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પાસે ઘણા સ્ટાર બોલરો છે. જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર જેવા અનુભવી ઝડપી બોલરો સતત પ્લેઈંગ 11 નો ભાગ બની રહ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને મિશેલ સેન્ટનર પણ બોલિંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે, જેના કારણે અર્જુન તેંડુલકરને પ્લેઈંગ 11 માં સ્થાન મળી રહ્યું નથી.
આ પણ વાંચો: MI vs SRH : મેચ પહેલા રોહિત શર્માનું કરવામાં આવ્યું સન્માન, પરંતુ પ્લેઈંગ 11માં ન મળ્યું સ્થાન
Published On - 5:23 pm, Fri, 18 April 25