IPL 2024 : 40 વર્ષની ઉંમરે મલિંગાનો શાનદાર યોર્કર, અર્જુન તેંડુલકર જોતો જ રહી ગયો

લસિથ મલિંગા તેના ખતરનાક યોર્કર માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. એક સમયે કોઈપણ બેટ્સમેન તેના ઘાતક યોર્કર સામે ટકી શકતો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે તેણે IPLમાં ઘણી વખત યોર્કરથી બેટ્સમેનોને આઉટ કર્યા હતા. નિવૃત્ત થયો હોવા છતાં તેની બોલિંગમાં આજે પણ કોઈ બદલાવ આવ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે જે સાબિત કરે છે કે તેને યોર્કર કિંગ કેમ કહેવામાં આવે છે.

IPL 2024 : 40 વર્ષની ઉંમરે મલિંગાનો શાનદાર યોર્કર, અર્જુન તેંડુલકર જોતો જ રહી ગયો
Lasith Malinga & Arjun Tendulkar
| Updated on: Apr 10, 2024 | 5:30 PM

IPL 2024માં મુંબઈની સ્થિતિ હાલમાં ખૂબ જ નાજુક છે. મુંબઈ 4 માંથી માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે અને 2 પોઈન્ટ સાથે લીગના પોઈન્ટ ટેબલમાં તળિયેથી ત્રીજા સ્થાને છે. પરંતુ સતત 3 મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી હતી. MIની આગામી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ માટે ટીમ મજબૂત ટ્રેનિંગ કરી રહી છે.

બોલિંગ કોચ લસિથ મલિંગા સાથે ટ્રેનિંગ

અત્યાર સુધી મુંબઈના બોલરો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. આવી સ્થિતિમાં મુંબઈના બોલિંગ કોચ લસિથ મલિંગા બોલરો સાથે સખત મહેનત કરી રહ્યો છે. બોલરોને વિકેટ પર સ્ટમપ ઉડાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. MIએ આ ટ્રેનિંગ સેશનની ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે દરમિયાન મલિંગાએ કંઈક એવું કર્યું જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

મલિંગાનો યોર્કર જોઈ ચોંકી જશો

વાસ્તવમાં, મલિંગા, સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર સહિત અન્ય MI બોલરો યોર્કર વડે સિંગલ સ્ટમ્પ ઉડાવવાની તાલીમ લઈ રહ્યા હતા. આ દરમિયાન ત્રણ-ચાર બોલરો સ્ટમ્પને ઉડાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ દરેક આમાં નિષ્ફળ જાય છે. જ્યારે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવા છતાં 40 વર્ષીય મલિંગા પહેલા જ બોલ પર સિંગલ સ્ટમ્પને ઉડાવે છે. હવે આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક તરફ યુવા બોલરો આમાં નિષ્ફળ રહ્યા હતા તો બીજી તરફ મલિંગાના યોર્કરનો જાદુ આજે પણ ચાલુ છે. MI એ પણ મલિંગાના વખાણમાં લખ્યું છે, કંઈ બદલાયું નથી, આજે પણ બધું જેવું હતું તેવું જ છે.

મલિંગાની IPL કારકિર્દી

લસિથ મલિંગાએ 2009માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL રમવાની શરૂઆત કરી હતી. તે 2019માં નિવૃત્તિ સુધી આ ટીમ સાથે જોડાયેલો રહ્યો. આ સમયગાળા દરમિયાન, તેણે 122 મેચ રમી જેમાં 7.12ની ઇકોનોમી સાથે 170 વિકેટ લીધી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે તેને 2023માં પોતાનો બોલિંગ કોચ બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે મલિંગાએ પોતાની બોલિંગ અને યોર્કરના દમ પર અનેકવાર ભારે રસાકસીભરી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી. જોકે મુંબઈની ટીમ આ સિઝનમાં બોલિંગમાં કંઈ ખાસ કરી શકી નથી. પરંતુ તેઓ આશા રાખશે કે યોર્કર કિંગ અને બોલિંગ કોચ મલિંગાની દેખરેખ હેઠળ બોલરો આગામી મેચોમાં સારું પ્રદર્શન કરશે.

આ પણ વાંચો : IPL 2024 : ક્રિકેટર બનવા પિતાએ વેચી દુકાન, હવે દીકરાએ 10.5 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જુઓ આલિશાન ઘરના ફોટો

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો