આઈપીએલ 2022 ઓક્શન (IPL 2022 Auction) નો સમય આવી ગયો છે. દરેકનું ધ્યાન 12 અને 13 ફેબ્રુઆરીએ ઓક્શન પર રહેશે, જ્યાં 10 ફ્રેન્ચાઇઝી 590 ખેલાડીઓ પર બોલી લગાવશે. 200 થી થોડા વધુ ખેલાડીઓ ખરીદવામાં આવશે. લગભગ દરેક ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે 40-50 કરોડ જેટલા છે અને મોટાભાગની ટીમો તેમાંથી મહત્તમ ખર્ચ કરશે. એવું ભાગ્યે જ બને છે કે ફ્રેન્ચાઇઝી અપેક્ષા કરતા ઓછો ખર્ચ કરે છે. પરંતુ એક વખત આવો કિસ્સો પણ સામે આવ્યો હતો અને પછી તે ફ્રેન્ચાઇઝી પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. આઈપીએલની પહેલી જ હરાજીમાં આ મામલો સામે આવ્યો હતો અને જે ટીમને સજા થઈ હતી તે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) હતી. જે ઘણી વખત વિવાદોમાં રહેતી આવી છે.
આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને પ્રથમ સીઝન માટે પ્રથમ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે હરાજી પણ ફેબ્રુઆરીમાં થઈ હતી અને પછી જે રીતે ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી, તેણે બધાને ચોંકાવી દીધા હતા. ખેલાડીઓ પર બોલી લગાવવાના આઈડિયાથી બધાને આશ્ચર્ય થયું. આ સાથે તેમના પર જે મોટી રકમ લુંટાઇ રહી હતી, તેનાથી પણ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ એક એવી ટીમ હતી, જે આ મામલે ઘણી કંજૂસાઇ કરી રહી હતી અને તેના કારણે તેને સજાનો સામનો કરવો પડ્યો હતો.
IPLની શરૂઆતની સિઝનમાં, હરાજી પર્સ એટલે કે ફ્રેન્ચાઇઝી સાથે ખર્ચવામાં આવતી રકમ વર્તમાન સમય કરતાં ઓછી હતી. ત્યારબાદ $5 મિલિયનનું પર્સ હરાજી માટે મૂકવામાં આવ્યું હતું. જેમાંથી ઓછામાં ઓછા $3.3 મિલિયન તમામ ફ્રેન્ચાઇઝીસ દ્વારા ખર્ચવા જરૂરી હતા. પરંતુ રાજસ્થાન આ મામલે સૌથી નબળુ હતું. ફ્રેન્ચાઇઝીએ તે હરાજીમાં માત્ર $2.925 મિલિયનનો ખર્ચ કર્યો હતો.
બીસીસીઆઈએ આ બાબતને નિયમોની વિરુદ્ધ માન્યું અને ફ્રેન્ચાઈઝીને દંડ ફટકાર્યો. કુલ ખર્ચમાંથી ઓછામાં ઓછા 3.3 મિલિયન અને બાકીની રહેલી રકમ બોર્ડમાં જમા કરવાનો આદેશ આપ્યો. જે રકમને બોર્ડે કોઈપણ ટીમ દ્વારા બોલી ન લગાવનાર ખેલાડીઓને આપવાનું નક્કી કર્યું હતું. જેમાં એશ્વેલ પ્રિન્સ અને મોહમ્મદ યુસુફ જેવા ખેલાડીઓનો સમાવેશ થતો હતો.
જોકે રાજસ્થાન રોયલ્સ પર તેની કોઈ અસર મેદાન પર જોવા મળી નહી. ટુર્નામેન્ટની શરૂઆતમાં રાજસ્થાનની ટીમ ટુર્નામેન્ટમાં સૌથી ઓછી કિંમતની ટીમ હતી. જોકે, ટીમમાં લેજન્ડરી લેગ-સ્પિનર શેન વોર્ન હતો, જેને ફ્રેન્ચાઇઝીએ કેપ્ટન બનાવ્યો હતો. સાથે જ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસન, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓપનર ગ્રીમ સ્મિથ અને આક્રમક ભારતીય બેટ્સમેન યુસુફ પઠાણ જેવા ખેલાડીઓ હતા, જેમના બળ પર રાજસ્થાન પ્રથમ આઈપીએલ ચેમ્પિયન બનીને સૌને ચોંકાવી દીધા હતા.
Published On - 9:29 am, Wed, 9 February 22