આઇપીએલ 2022 ની મેગા હરાજી (IPL 2022 Mega Auction) પુરી થઇ ચુકી છે. 10 ટીમોએ 204 ખેલાડીઓની ખરિદ્યા છે અને જેના માટે તેમના પર્સમાંથી ખેલાડીઓ પાછળ 551.7 કરોડ રુપિયાની રકમ ખર્ચવામાં આવી છે. આ પૈકી 137 જેટલા ભારતીય ખેલાડીઓ જુદી જુદી ટીમના હિસ્સો બન્યા છે. જેમાં આ ગુજરાતી ખેલાડીઓ પર પણ ફ્રેન્ચાઇઝીઓએ ભરોસો દર્શાવ્યો છે. રવિન્દ્ર જાડેજા સૌથી મોંઘો 16 કરોડ અને ગુજરાત (Gujarat Titans) ની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) 15 કરોડ રુપિયા ની સેલરી પર પહેલાથી જ ટીમો સાથે જોડાયા છે.
રવિન્દ્ર જાડેજાઃ ચેન્નાઇ સુપર કિંગ્સ અને મહેન્દ્રસિંહ ધોનીનો ભરોસો કહેવાય છે આ ગુજ્જુ ખેલાડી. ચેન્નાઇ તેને ધોની કરતા પણ વધુ સેલરી ચુકવીને પોતાની સાથે જાળવી રાખ્યો હતો. જાડેજાને 16 કરોડ રુપિયામાં રિટેન કર્યો હતો.
હાર્દિક પંડ્યાઃ મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો હિસ્સો રહેલ પંડ્યા હવે ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન છે. તેને ગુજરાતની ટીમે 15 કરોડ રુપિયામાં પહેલા થી જ સામેલ કરી લીધો હતો. પંડ્યાની આઇપીએલ કરિયર શાનદાર રહી છે અને હવે ગુજરાતની ટીમની આગેવાની કરતો જોવા મળશે.
હર્ષલ પટેલઃ પર્પલ પટેલ થી ગઇ સિઝનમાં જાણીતો બનેલો આ ખેલાડીને આરસીબી એ ભલે રિલીઝ કર્યો હતો, પરંતુ તેને પોતાની સાથેથી દુર રાખવો જાણે પોષાય એમ નહોતો અને પહેલાથી રાખેલા ઇરાદા મુજબ પટેલને 10.75 કરોડના ખર્ચે ખરિદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા રાખી હતી.
અક્ષર પટેલઃ ઋષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સે રિટેન કરેલા ચાર ખેલાડીઓમાંથી એક અક્ષરને પસંદ કર્યો હતો. અક્ષરનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ અને તેના ફળ સ્વરુપે દિલ્હીએ તેને 9 કરોડની સેલરી સાથે રિટેન કર્યો હતો.
રિપલ પટેલઃ નડિયાદના સામાન્ય પરિવારના આ ઓલરાઉન્ડર ખેલાડીને દિલ્હી કેપિટલ્સે ફરી એકવાર પોતાનો હિસ્સો બનાવ્યો છે. તેને 20 લાખની બેઝ પ્રાઇઝ પર જ પોતાની સાથે જોડ્યો છે.
ચેતન સાકરિયાઃ દિલ્હીની ટીમમાં ત્રણ ગુજરાતીઓ સામેલ છે. જેમાં અક્ષર બાદ બીજો મહત્વનો ખેલાડી દિલ્હી માટે સાકરિયા પુરવાર થવાનો છે. દિલ્હીએ હરાજીમાં 4.2 કરોડના ખર્ચે પોતાની સાથે તેને કર્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ હતી.
કૃણાલ પંડ્યાઃ પંડ્યા બ્રધર્સ, આ જોડી હવે અલગ થઇ ગઇ છે. પહેલા મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં એક સાથે હરીફ ટીમને મુશ્કેલીમાં મુકતા હતા પરંતુ હવે આ બંને સામ સામે જોવા મળશે. 50 લાખની બેઝ પ્રાઇઝ સાથે ઓક્શનમાં સામેલ કૃણાલને નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે 8.25 કરોડમાં પોતાની સાથે ખરીદ કર્યો હતો.
પ્રેરક માંકડઃ રાજકોટથી આવતા અને સૌરાષ્ટ્રની ટીમમાં ઘરેલુ ક્રિકેટ રમતા માંકડને 20 લાખની બેઝ પ્રાઇઝ સાથે પંજાબ કિંગ્સે પોતાનો હિસ્સો બનાવ્યો છે. માંકડ ઓલરાઉન્ડર છે અને તેણે હાલમાં જ ઘરેલુ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.
જયદેવ ઉનડકટઃ આ ખેલાડી પણ સૌરાષ્ટ્ર ટીમનો દમદાર બોલર છે અને તેને મુંબઇ ઇન્ડિયન્સે પોતાની ટીમમાં સ્થાન આપ્યુ છે. તેણે 75 લાખની બેઝ પ્રાઇઝ રાખી હતી અને મુંબઇ એ તેને 1.3 કરોડના ખર્ચે પોતાની સાથે કર્યો હતો.
શેલ્ડન જેક્શનઃ ભાવનગરમાં જન્મેલો આ ખેલાડી સૌરાષ્ટ્રની ઘરેલુ ટીમમાંથી રમે છે. તેણે 30 લાખની બેઝ પ્રાઇઝ રાખી હતી અને તેને કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની સાથે 60 લાખ રુપિયામાં કર્યો હતો.
Published On - 10:49 am, Mon, 14 February 22