
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન પર ફરી એકવાર સામસામે જંગ જામવા જઈ રહ્યો છે. જો કે, હજુ આ મેચમાં સમય છે. ક્રિકેટના મેદાન પર જ્યારે આ મેચ હોય છે, ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ પહોંચી જાય છે. આ મેચ ટી20 મહિલા વિશ્વ કપ દરમિયાન રમાશે.
ICC મહિલા ટી20 વિશ્વ કપ 2026 નો પ્રારંભ 12 જૂનથી થવા જઈ રહ્યો છે. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ સામસામે ટકરાશે. ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો, તે 14 જૂનના રોજ પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. તે દિવસે ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે. આ જ દિવસે પહેલા બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમો વચ્ચે ટક્કર થશે. ત્યારબાદ સાંજે સાત વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે.
પાકિસ્તાન સામે ટકરાયા બાદ ભારતીય મહિલા ટીમનો બીજો મુકાબલો 17 જૂનના રોજ નેધરલેન્ડ સામે થશે. ત્યારબાદ 21 જૂનના રોજ ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકાની ટીમ સાથે થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 25 જૂનના રોજ રમાશે. ભારતનો છેલ્લો લીગ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે 28 જૂનના રોજ થશે. ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી એક પણ વાર ટી20 વિશ્વ કપનું ટાઇટલ જીત્યું નથી. એવામાં જોવાનું એ રહેશે કે, ટીમ આ વખતે કેવું પ્રદર્શન કરે છે અને શું આગામી રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થાય છે કે નહીં?
ICC મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. હરમનપ્રીત કૌરને કેપ્ટન્સીની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સ્મૃતિ મંધાના ટીમની વાઇસ કેપ્ટન છે. ટીમમાં કેટલાક યુવા અને નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. એવી આશા રાખવામાં આવે છે કે, ટીમ ગત વખત કરતા વધુ સારું પ્રદર્શન આ ટી20 વિશ્વ કપમાં કરતી જોવા મળશે.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટ કીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, રાધા યાદવ