IND vs AUS: હાર્દિક પંડ્યા ODI કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે, ભારતનો 27મો કેપ્ટન બનશે, જાણો 26 સુકાનીઓની સંપૂર્ણ યાદી
ભારતીય ટીમનુ સુકાન વનડે ક્રિકેટમાં સૌપ્રથમ અજીત વાડેકરે સંભાળ્યુ હતુ. ભારત તરફથી સૌથી વધુ વનડે મેચમાં કેપ્ટનશિપ મહેન્દ્રસિંહ ધોનીએ નિભાવી હતી અને 2 કેપ્ટન ભારતને વિશ્વકપ જીતાડવામાં સફળ રહ્યા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વનડે સિરીઝની પ્રથમ મેચ રમાનારી છે. ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્મા શુક્રવારે ઉપલબ્ધ નહીં હોવાને લઈ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળશે. હાર્દિક પંડ્યા પ્રથમવાર વનડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ નિભાવતો જોવા મળી શકે છે. આણ રોહિત શર્મા અંગત કારણોસર ગેરહાજર રહેવાને લઈ હાર્દિક પંડ્યા વનડે કેપ્ટનશિપ ડેબ્યૂ કરશે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ વિશ્વકપને લઈ તૈયારીઓ માટે ખૂબ જ મહત્વની છે. આમ સિરીઝની શરુઆત સારી થવી જરુરી છે અને આ કામ હાર્દિકે નિભાવવુ પડશે.
હાર્દિક પંડ્યા 2023 ની વર્ષની શરુઆતથી જ ભારતીય ટીમ માટે ટી20 ફોર્મેટમાં કેપ્ટનશિપ સંભાળી ચૂક્યો છે. જેમાં ભારતીય ટીમને હાર્દિક પંડ્યાએ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે જીત અપાવી હતી. બંને ટી20 સિરીઝમાં ભારતે 2-1 થી જીત મેળવી હતી. હવે ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝની વિજયી શરુઆત ભારતીય ટીમ કરે એવો ઈરાદો રાખવામાં આવી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો 27મો કેપ્ટન
શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનુ સુકાન સંભાળવા મેદાને ઉતરતા જ હાર્દિક પંડ્યા વનડે આંતરરાષ્ટ્રીય કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે. હાર્દિક પંડ્યા વનડે ફોર્મેટમાં ભારતીય ટીમનુ સુકાન સંભાળનારો 27મો કેપ્ટન બનશે. આ પહેલા ટીમ ઈન્ડિયાની આગેવાની 26 ભારતીય દિગ્ગજો સંભાળી ચૂક્યા છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિકને માટે આ મોટી તક રહી છે. ભારતીય ટીમનુ વનડે ક્રિકેટમાં સૌ પ્રથમ સુકાન અજીત વાડેકરે સંભાળ્યુ હતુ. ભારતે પ્રથમ વનડે મેચ 1974માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. બે મેચોની આ શ્રેણીમાં 0-2 થી હાર મેળવી હતી અને જેનુ સુકાન વાડેકરે સંભાળ્યુ હતુ. જે બાદ ભારતીય ટીમનુ સુકાન એસ વેંકટરાઘવને સંભાળ્યુ હતુ.
વનડેમાં ધોનીએ 200 મેચમાં કેપ્ટન રહ્યો
સૌથી વધુ વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનુ સુકાન સભાળનાર ખેલાડી તરીકે મહેન્દ્રસિંહ ધોનીનુ નામ નોંધાયેલુ છે. એમએસ ધોનીએ 200 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટનશિપ સંભાળી છે. ભારતીય ટીમને ધોનીની આગેવાનીમાં 110 મેચોમાં સફળતા મળી હતી.
ધોનીએ ભારતીય ટીમને 2011માં વનડે વિશ્વકપ જીતાડ્યો હતો. સૌ પ્રથમ વનડે વિશ્વકપ ભારતે 1983માં જીત્યો હતો. કપિલ દેવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ જીત્યો હતો. ત્યાર બાદ ધોનીની આગેવાનીમાં 12 વર્ષ અગાઉ ભારતે બીજો વનડે વિશ્વકપ જીત્યો હતો. કપિલ દેવે ભારતીય ટીમની આગેવાની 74 મેચમાં સંભાળી હતી. જેમાં ભારતે 39 વાર જીત નોંધાવી હતી.
વનડે ટીમના તમામ 26 કેપ્ટનની યાદી
અજિત વાડેકર, શ્રીનિવાસ વેંકટરાઘવન, બિશન સિંહ બેદી, સુનીલ ગાવસ્કર, ગુંડપ્પા વિશ્વનાથ, કપિલ દેવ, સૈયદ કિરમાણી, મોહિન્દર અમરનાથ, રવિ શાસ્ત્રી, દિલીપ વેંગસરકર, કે શ્રીકાંત, મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેંડુલકર, અજય જાડેજા, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, વિરેન્દ્ર સેહવાગ, મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શિખર ધવન અને કેએલ રાહુલ.