19 છગ્ગા, 39 ચોગ્ગા… આ ભારતીય ટીમે 413 ફટકારી બનાવ્યો રેકોર્ડ

ઈન્ડિયા A અને ઓસ્ટ્રેલિયા A ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે 400 થી વધુ રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. આ મેચ દરમિયાન પ્રિયાંશ આર્ય અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી.

19 છગ્ગા, 39 ચોગ્ગા... આ ભારતીય ટીમે 413 ફટકારી બનાવ્યો રેકોર્ડ
Shreyas Iyer
Image Credit source: X
| Updated on: Oct 01, 2025 | 8:36 PM

ઓસ્ટ્રેલિયા A ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે. તાજેતરમાં જ ઈન્ડિયા A અને ઓસ્ટ્રેલિયા A ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. હવે, ODI શ્રેણી શરૂ થઈ છે. આ શ્રેણીની પહેલી મેચમાં ઈન્ડિયા A ટીમ તરફથી વિસ્ફોટક બેટિંગ જોવા મળી. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 400 થી વધુ રન બનાવ્યા. ઉલ્લેખનીય છે કે, પાંચ ભારતીય બેટ્સમેનોએ 50+ રન બનાવ્યા હતા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે.

ભારતીય બેટ્સમેનોએ બતાવ્યો ક્લાસ

આ મેચ કાનપુરના ગ્રીન પાર્ક ખાતે રમાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા A ટીમે મોટો સ્કોર બનાવ્યો. ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે ટીમને મજબૂત શરૂઆત અપાવી. પ્રભસિમરન સિંહે 53 બોલમાં 56 રન બનાવ્યા અને પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી.

શ્રેયસ અય્યર-પ્રિયાંશ આર્યની સદી

પ્રિયાંશ આર્યએ વિસ્ફોટક સદી ફટકારી હતી. તેણે 84 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ શ્રેયસ અય્યરે કેપ્ટનશીપની ઈનિંગ રમી અને સદી ફટકારી. તેણે 83 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 110 રન બનાવ્યા. રિયાન પરાગે 42 બોલમાં 67 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.

 

ભારતીય ટીમે 413 રન બનાવ્યા

અંતિમ ઓવરોમાં, આયુષ બદોનીએ શાનદાર ઈનિંગ રમી, તેણે 27 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. પરિણામે, ભારતીય ટીમે 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 413 રન બનાવ્યા.

ઈન્ડિયા A ટીમે ઈતિહાસ રચ્યો

ઈન્ડિયા A ટીમે પુરુષોની લિસ્ટ A મેચમાં ત્રીજી વખત 400 થી વધુ રન બનાવ્યા, જે એક વિશ્વ રેકોર્ડ છે. હકીકતમાં, અન્ય કોઈ દેશની A ટીમે ક્યારેય એકથી વધુ વખત 400 થી વધુ રન બનાવ્યા નથી. ઈન્ડિયા A ટીમે ઈતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો: Asia Cup trophy controversy : મોહસીન નકવી જશે જેલ? BCCI કડક કાર્યવાહીના મૂડમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો