રોહિત શર્મા (Rohit Sharma) તેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રમુજી નિવેદનો માટે જાણીતો છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ફુલ ટાઈમ ODI કેપ્ટન બન્યા બાદ પ્રથમ વખત પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમની આ સ્ટાઈલ પણ જોવા મળી હતી. ભારત-વેસ્ટ ઈન્ડિઝની વનડે સીરીઝ (India vs West Indies ODI) પહેલા તેણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને આવું નિવેદન આપ્યું હતું, જેને સાંભળીને બધા હસવા લાગ્યા હતા. તેને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમના પ્રથમ ત્રણ સ્થાન પર યુવા બેટ્સમેનોને તક ન આપવી જોઈએ.
આના પર રોહિતે પોતાની સ્ટાઈલમાં કહ્યું, ‘તો તમે ઈચ્છો છો કે ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને ઓપનર બનાવવામાં આવે. મને અને શિખર ધવનને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ?’
આ કહેતા રોહિત શર્મા પોતે પણ હસી પડ્યો હતો. આ સાથે જ પ્રશ્નો પૂછનારા પત્રકારો પણ હસવા લાગ્યા હતા. જોકે, રોહિતે વધુમાં કહ્યું હતું કે યુવાનોને તેમને તકો ચોક્કસ મળશે. તેણે સ્પષ્ટ કર્યું કે ઈશાન કિશન તેની સાથે ઓપનિંગ કરશે. શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ કોરોના સંક્રમિત છે. આવી સ્થિતિમાં આ બંનેનું વનડે સિરીઝમાં રમવું મુશ્કેલ બની રહ્યું છે. આ કારણે ઈશાન કિશનને ઓપનર તરીકે તક મળી રહી છે. તે પ્રથમ વનડે ટીમનો ભાગ પણ નહોતો.
રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કોરોના વાયરસથી પીડિત ત્રણેય ધવન, ગાયકવાડ અને શ્રેયસ અય્યર હજુ પણ આઈસોલેશનમાં છે. તેઓ ક્યારે રમવા માટે ઉપલબ્ધ થશે તે હજુ નક્કી નથી. રોહિતે કહ્યું, ‘હાલમાં ત્રણેય આઈસોલેશનમાં છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તે સારી બાબત છે. પરંતુ તેમના વિશે કશું ચોક્કસ નથી.
રોહિત શર્માએ સ્વીકાર્યું કે કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થાય છે અને તે ટીમનું સંતુલન પણ બગાડે છે. તેણે કહ્યું, ‘જુઓ, આ મુશ્કેલ પરિસ્થિતિ છે. કોરોનાને કારણે ઘણી અનિશ્ચિતતા છે અને જો આવું કંઈક થાય છે, તો રિકવરીનો સમય અલગ હશે કારણ કે દરેક ખેલાડી અલગ છે. ક્યારેક સાત-આઠ દિવસ તો ક્યારેક 14 દિવસ પણ લાગે છે.
રોહિતે વધુમાં કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન ખેલાડીઓએ પણ પોતાની પસંદગીની જગ્યાથી અલગ રીતે રમવા માટે તૈયાર રહેવું જોઈએ. તેણે કહ્યું, ‘ટીમ તે સમયને સમજે છે જેમાં આપણે જીવી રહ્યા છીએ. તક ગમે ત્યારે આવી શકે છે અને તેમણે તૈયાર રહેવું પડશે. તેણે ટીમ માટે કરવું પડશે અને અમે દરેકને સ્પષ્ટ કરી દીધું છે કે શું થઈ શકે છે. આ સંજોગોમાં ગમે ત્યારે બની શકે છે. તેથી જો કોઈની જગ્યાએ કોઈ આવે તો તેણે તરત જ પોતાને ઢાળીને રમવું પડે છે.
Published On - 5:10 pm, Sat, 5 February 22