
યુવા બેટ્સમેન ધ્રુવ જુરેલે વેસ્ટ ઈન્ડીઝ સામે અમદાવાદ ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેણે યાદગાર 125 રન બનાવ્યા. આ સદીએ ભારતને મજબૂત સ્થિતિમાં તો પહોંચાડ્યું જ, સાથે જ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાનો મજબૂત દાવો પણ કર્યો. જોકે, તેને આ તક મળી કારણ કે રિષભ પંત ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર છે. પંતની ગેરહાજરીમાં જુરેલે માત્ર વિકેટકીપિંગની ફરજો જ સારી રીતે નિભાવી નહીં પરંતુ બેટથી પોતાની પ્રતિભા પણ સાબિત કરી.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પંતની વાપસી પછી ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવશે? પંત લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમ માટે પ્રથમ પસંદગીનો વિકેટકીપર રહ્યો છે, અને તેની આક્રમક બેટિંગ અને ઉત્તમ કીપિંગ કૌશલ્યએ તેનું સ્થાન નિશ્ચિત બનાવ્યું છે. જ્યારે ધ્રુવ જુરેલ તકનો લાભ લેવામાં સફળ રહ્યો છે, ત્યારે પંતનું સ્થાન કોઈ ખતરામાં નથી. તેમ છતાં, જુરેલના પ્રદર્શને પસંદગીકારો માટે એક નવો પડકાર ઉભો કર્યો છે.
દરમિયાન, ધ્રુવ જુરેલની સદીએ યુવા બેટ્સમેન સાઈ સુદર્શન પર દબાણ વધાર્યું છે. સુદર્શને અત્યાર સુધી ચાર ટેસ્ટ મેચોમાં સાત ઈનિંગમાં ફક્ત એક અડધી સદી ફટકારી છે. અમદાવાદ ટેસ્ટની પહેલી ઈનિંગમાં પણ તે ફક્ત સાત રન બનાવીને આઉટ થયો હતો. સુદર્શનના મોટી ઈનિંગના અભાવે ટીમમાં તેના સ્થાન પર પ્રશ્નો ઉભા કર્યા છે. જો સુદર્શન ટૂંક સમયમાં પોતાનું પ્રદર્શન નહીં સુધારે, તો જુરેલ એક મજબૂત રિપ્લેસમેન્ટ તરીકે ઉભરી શકે છે અને બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં રહી શકે છે.
ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચોમાં 9 ઈનિંગ્સમાં 380 રન બનાવ્યા છે. તેની સરેરાશ 47.50 છે, જેમાં 1 સદી અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે. આ વર્ષે ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન પંતની ઈજાને તેને એક મેચમાં રમવાની તક પણ મળી હતી. ધ્રુવ જુરેલે સ્ટમ્પ પાછળ પણ પોતાની છાપ છોડી છે. વિકેટકીપિંગ કરતી વખતે તેણે 12 કેચ લીધા છે અને 2 સ્ટમ્પિંગ કર્યા છે.
આ પણ વાંચો: Shubman Gill : ODI ટીમનો કેપ્ટન બનતા જ શુભમન ગિલે પોતાના મિશનની જાહેરાત કરી, જુઓ વીડિયો