વનડે સીરીઝ બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) ની ટીમો T20 સીરીઝમાં સામસામે મેદાને ઉતરવા માટે તૈયાર છે. સીરીઝની પ્રથમ T20 મેચ 16 ફેબ્રુઆરી બુધવારે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ (Eden Gardens Stadium Kolkata) માં રમાશે. બંને ટીમો વચ્ચેની વનડે શ્રેણી સંપૂર્ણપણે એકતરફી રહી હતી. પરંતુ ટી20 સિરીઝ સાવ અલગ છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપ (ICC T20 World 2022) અને બંને ટીમોના તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં લેતા, વધારે અંતર બનાવવુ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, આ સિરીઝમાં મજબૂત સ્પર્ધા જોવા મળે તેવી અપેક્ષા છે અને આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, બંને ટીમો આવી જ સ્પર્ધાની અપેક્ષા રાખશે, જેથી તેઓને તેમની તૈયારીઓને કસોટી કરવાનો મોકો મળે.
T20 વર્લ્ડ કપમાં બંને ટીમ સુપર-12 રાઉન્ડમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી, જેના થી સૌ કૌઇને આશ્વર્ય સર્જાયુ હતુ. ત્યારબાદ બંને ટીમોએ ઘરઆંગણે ટી-20 સિરીઝ રમી અને જીતી લીધી છે. ભારતે વર્લ્ડ કપ પછી તરત જ ન્યુઝીલેન્ડ સામે 3 મેચની સીરીઝ રમી અને ક્લીન સ્વીપ કરી લીધું. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝે પોતાના ઘર આંગણે બે અઠવાડિયા પહેલા જ ઈંગ્લેન્ડ સામે 3-2 થી જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝે આ ફોર્મેટમાં પોતાની લયમાં સુધારો કર્યો છે.
આવી સ્થિતિમાં, આ શ્રેણીમાં કંઇ મોટુ તો દાવ પર નથી, પરંતુ તેને વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓની શરૂઆત ગણી શકાય. ભારતીય ટીમ આગામી કેટલીક શ્રેણીમાં જ 15 થી 20 ખેલાડીઓની યાદી તૈયાર કરવાનો પ્રયાસ કરશે, જેઓ વર્લ્ડ કપ સુધી ટીમની જરૂરિયાત અનુસાર પોતાની ભૂમિકાને સમજે. મંગળવાર 15 ફેબ્રુઆરીએ, મેચના એક દિવસ પહેલા, કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું હતું કે તે પ્રયોગમાં વધુ વિશ્વાસ નથી રાખતો અને ખાસ કરીને યુવાનોને સ્થિરતા પ્રદાન કરવામાં માને છે. રોહિતે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિ તેની ભૂમિકાથી વાકેફ છે અને હવે તે ખેલાડીઓ પર નિર્ભર રહેશે કે તેઓ પોતાને સાબિત કરે.
આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે ભારતીય ટીમ આ મેચમાં કેવા પ્રકારની પ્લેઈંગ ઈલેવન મેદાનમાં ઉતરી શકે છે. વાઇસ કેપ્ટન અને ટી-20 ઓપનર કેએલ રાહુલની ઈજાના કારણે ભારતને આંચકો લાગ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની જગ્યાએ ઈશાન કિશનને ઓપનિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવશે એમ નક્કિ મનાય છે. ટીમ પાસે ઋતુરાજ ગાયકવાડનો વિકલ્પ પણ છે, જેને રાહુલના સ્થાને લાવવામાં આવ્યો હતો. જો કે તેને તક મળે તેવી અપેક્ષા નથી. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતનું સ્થાન નિશ્ચિત છે, જ્યારે શ્રેયસ અય્યર પણ પુનરાગમનની આશા રાખશે.
ટીમ ઈન્ડિયાએ સ્પિન ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરની ફિટનેસનુ નુક્શાન વેઠવુ પડ્યુ છે અને આવી સ્થિતિમાં ઐયરની જગ્યાએ દીપક હુડાને પણ તક મળી શકે છે, જે યુઝવેન્દ્ર ચહલ સાથે મળીને સ્પિન બોલીંગનો મોરચો મજબૂત કરશે. બીજી તરફ વેંકટેશ અય્યરને પણ તક મળી શકે છે.
પેસ બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને હર્ષલ પટેલના ખભા પર રહેશે, જેઓ પણ બાકીના ખેલાડીઓ કરતાં બેટિંગમાં સારા વિકલ્પો છે. ભુવનેશ્વર માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીમાં નિષ્ફળ રહ્યો હતો અને આવી સ્થિતિમાં આ તેની છેલ્લી તક પણ બની શકે છે.
જ્યાં સુધી વેસ્ટ ઈન્ડિઝની વાત છે તો મુલાકાતી ટીમ માટે રાહતની વાત છે કે કેપ્ટન કિરન પોલાર્ડ ફિટ છે અને ટીમમાં વાપસી કરશે. પોલાર્ડ ODI શ્રેણીની માત્ર પ્રથમ મેચ જ રમી શક્યો હતો. વિન્ડીઝના કેપ્ટને માત્ર બેટથી જ સારું પ્રદર્શન કરવાની જરૂર નથી, પરંતુ તેની ટીમને પણ તે કરવા માટે પ્રેરિત કરવાની જરૂર છે. ટીમનો કોઈપણ બેટ્સમેન ODI શ્રેણીમાં પિચ પર ટકીને રમી શક્યો નહોતો. જો કે T20 ફોર્મેટ વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ શૈલીને અનુરૂપ છે, તેમ છતાં ટીમના ટોચના ક્રમના બેટ્સમેનોને હજુ પણ વધુ જવાબદારી સાથે બેટિંગ કરવાની અપેક્ષા રાખવામાં આવશે.
Published On - 7:44 am, Wed, 16 February 22