
શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વનો નંબર 1 ટેસ્ટ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજા અને ફિટનેસના મુદ્દાઓને કારણે 15 ઓગસ્ટથી શરૂ થનારી શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. 28 જુલાઈએ જાહેર કરાયેલી ભારતીય ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તબીબી તપાસ બાદ તેને ફીટ જાહેર કરવામાં આવ્યો નહીં. જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી ડારને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝ દરમિયાન બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર, 2022 દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલા એશિયા કપમાં ભાગ લઈ શક્યો ન હતો. બુમરાહની ગેરહાજરીમાં ભારતનું બોલિંગ આક્રમણ નબળું પડ્યું હતું જેના કારણે ભારત ફાઇનલમાં પણ પહોંચુ નહીં.
એશિયા કપ બાદ સપ્ટેમ્બર 2022માં બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાયેલી T20 સિરીઝથી વાપસી કરી હતી. પરંતુ તેની પીઠની ઈજા ફરી ગંભીર બની હતી. પરિણામે તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો. તેના સ્થાને અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે સમયે બુમરાહ ટીમ ઈન્ડિયાના સૌથી વિશ્વસનીય ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ ગણાતો હોવાથી આ ભારત માટે મોટો ફટકો હતો.
સપ્ટેમ્બર 2022માં થયેલી પીઠની ઈજામાંથી બહાર આવવામાં બુમરાહને લગભગ 11 મહિના લાગ્યા. આ કારણે તે 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમી શક્યો નહોતો. તે મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL 2023માં રમી શક્યો નહીં. જોકે તેની ગેરહાજરી છતાં મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.
પીઠની ઈજાના કારણે જસપ્રીત બુમરાહ 7થી 11 જૂન 2023 દરમિયાન ઈંગ્લેન્ડના ધ ઓવલ ખાતે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પણ રમી શક્યો નહોતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવ્યું હતું. ભારત સતત બીજી વખત WTC ફાઇનલ હારીને રનર-અપ રહ્યું હતું.
2024-25માં રમવામાં આવેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ દરમિયાન બોલિંગ કરતી વખતે બુમરાહ ફરી ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પ્રારંભિક ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ 12 ફેબ્રુઆરીએ કમરના નીચલા ભાગમાં ઈજાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
:
Auqib Nabi replaces Jasprit Bumrah in India’s Test squad.
Details #TeamIndia | #SLvIND https://t.co/lAf25FbpDN
— BCCI (@BCCI) August 3, 2026
જુલાઈ 2026માં ભારત-ઈંગ્લેન્ડ ODI સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા બુમરાહ ફરી એકવાર લાંબી ઈજામાંથી સ્વસ્થ થઈ શક્યો નથી. પરિણામે, તે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય પસંદગીકારોએ તેના સ્થાને જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી ડારને ટીમમાં સામેલ કર્યો છે. બુમરાહની સતત ઇજાઓ ફરી એકવાર ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કારણ કે આગામી મહિનાઓમાં ભારતે ઘણી મહત્વપૂર્ણ ટેસ્ટ મેચ રમવાની છે.