ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. પ્રથમ દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજા દિવસે ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. હવે રમતના ત્રીજા દિવસે પણ ટીમ ઈન્ડિયા માટે તણાવ ઓછો થયો નથી. ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.
ભારતીય બોલરોએ ત્રીજા દિવસની શરૂઆત ખૂબ જ સારી કરી, તેઓ શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડને મોટા આંચકા આપવામાં સફળ રહ્યા. દિવસની પ્રથમ વિકેટ મોહમ્મદ સિરાજના નામે હતી. મોહમ્મદ સિરાજે ડેરીલ મિશેલને પોતાનો શિકાર બનાવ્યો હતો. ડેરીલ મિશેલને આઉટ કરવામાં યશસ્વી જયસ્વાલે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે ગલીમાં શાનદાર કેચ પકડ્યો. તમને જણાવી દઈએ કે, આ ખૂબ જ ઝડપી શોટ હતો, જેને યશસ્વી જયસ્વાલે પકડવામાં સફળ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ હતી. જેના કારણે યશસ્વી જયસ્વાલની જગ્યાએ અક્ષર પટેલને મેદાનમાં આવવું પડ્યું હતું.
જોકે જયસ્વાલની ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ જયસ્વાલની ઈજા ટીમ ઈન્ડિયા માટે એક મોટું ટેન્શન છે. તે આ વર્ષે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેનું તાજેતરનું પ્રદર્શન પણ ઘણું શાનદાર રહ્યું છે. ભારતીય ઈનિંગ્સને બીજી ઈનિંગમાં તેની ખૂબ જરૂર પડશે.
પંતને રમતના બીજા દિવસે વિકેટકીપિંગ દરમિયાન ઈજા થઈ હતી. જે બાદ તેની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી. રિષભ પંત રમતના ત્રીજા દિવસે પણ મેદાન પર આવ્યો નથી. ધ્રુવ જુરેલ માટે વિકેટકીપિંગ કરી રહ્યો છે. એટલે કે પંત હજુ પણ BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે. તમને જણાવી દઈએ કે, પંતને એ જ ઘૂંટણમાં ઈજા થઈ છે જે કાર અકસ્માત બાદ સર્જરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: PAK vs ENG: બાબર આઝમ વિનાની પાકિસ્તાનની ટીમ જીતી, ઈંગ્લેન્ડને ઘરઆંગણે હરાવીને 1348 દિવસે મેળવી જીત
Published On - 2:29 pm, Fri, 18 October 24