
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટોસ બાદ ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને ટિમ સીફર્ટે પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી હતી. ત્યારબાદ રચિન રવિન્દ્રએ 26 બોલમાં 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન મિશેલ સેન્ટનરે 27 બોલમાં અણનમ 47 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 19 અને ડેરિલ મિશેલે 18 રનનું યોગદાન આપ્યું.
ભારતીય બોલિંગમાં કુલદીપ યાદવ સૌથી સફળ રહ્યો અને તેણે 2 વિકેટ ઝડપી. હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી. જોકે, અર્શદીપ સિંહ માટે આ મેચ મુશ્કેલ રહી; તેણે 4 ઓવરમાં 53 રન આપ્યા અને કોઈ વિકેટ મેળવી શક્યો નહીં.
209 રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆતમાં કેટલીક વિકેટ પડી હતી, પરંતુ ઇશાન કિશનની વિસ્ફોટક બેટિંગે મેચનો રુખ્યાનો જ બદલી નાખ્યો. ઇશાન કિશને 32 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 237.50 રહ્યો. ઇશાને માત્ર 21 બોલમાં અડધી સદી પૂરી કરી, જે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય બેટ્સમેનની T20માં સૌથી ઝડપી અડધી સદી બની.
ઇશાન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ઇનિંગ રમી. તેણે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 37 બોલમાં 82 રન બનાવી અંત સુધી અણનમ રહ્યો. સૂર્યાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ હતો. તેના આક્રમક અંદાજના કારણે ભારતે માત્ર 15.2 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે, કારણ કે ભારત 16 ઓવરથી ઓછા સમયમાં 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર પ્રથમ ટીમ બની છે. અંતમાં શિવમ દુબેએ 18 બોલમાં અણનમ 36 રન બનાવી ટીમને સરળ વિજય અપાવ્યો. કુલ મળીને, ભારતનું આ પ્રદર્શન શ્રેણી માટે અને T20 વર્લ્ડ કપની તૈયારી માટે અત્યંત સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે.
15 ચોગ્ગા-છગ્ગા… 48 કલાકમાં ખેલ ખતમ, ઈશાન કિશને તોડ્યો આ રેકોર્ડ, જુઓ ઇનિંગ