
IND vs NZ 3rd T20 મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને છે. પાંચ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા પહેલેથી જ 2-0ની લીડ મેળવી ચૂકી છે. ત્રીજી મેચમાં જીત સાથે ભારત 3-0ની અજેય લીડ મેળવવા ઉત્સુક છે, જ્યારે ન્યુઝીલેન્ડ માટે આ મેચ “કરો યા મરો” જેવી સ્થિતિ બની ગઈ છે.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફારો કર્યા છે, જેને કારણે ક્રિકેટ ચાહકોમાં ચર્ચા તેજ બની છે.
ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને વર્તમાન નંબર-1 T20 બોલર વરુન ચક્રવર્તીને આરામ આપ્યો છે. તેમની જગ્યાએ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. બુમરાહને અગાઉની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો અને હવે તે ફરી ટીમ સાથે જોડાયો છે.
આ ઉપરાંત, લેગ-સ્પિનર રવિ બિશ્નોઈને લગભગ એક વર્ષ બાદ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે, જે ટીમ માટે મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. આ સિવાય, ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
શ્રેણીની પહેલી બે મેચોમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ગુવાહાટીમાં પણ આ જ લય જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી આ શ્રેણી T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીનો મહત્વનો ભાગ છે.
બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમમાં પણ એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર કાયલ જેમીસન ત્રીજી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં પાછો ફર્યો છે. તે અગાઉની મેચમાં રમ્યો ન હતો.
ભારતની પ્લેઇંગ ઇલેવન:
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.
ન્યુઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન:
ડેવોન કોનવે, ટિમ સીફર્ટ (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, મેટ હેનરી, ઇશ સોઢી, જેકબ ડફી.
Published On - 7:09 pm, Sun, 25 January 26