ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 શ્રેણીની જીત સાથે શરૂઆત કરી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ગ્વાલિયરના ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બોલની સાથે-સાથે બેટથી પણ સફળ રહ્યો હતો. તેણે મેચ દરમિયાન એવો શોટ પણ રમ્યો જેણે બધાને ચોંકાવી દીધા. પંડ્યાનો આ શોટ ‘નો લુક શોટ’થી એક ડગલું આગળ હતો.
આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 12મી ઓવરમાં શાનદાર શોટ રમ્યો હતો. આ ઓવર બાંગ્લાદેશનો અનુભવી બોલર તસ્કીન અહેમદ ફેંકી રહ્યો હતો. તસ્કીન અહેમદે ઓવરનો ત્રીજો બોલ ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પંડ્યા આ બોલ માટે તૈયાર ન હતો. પંડ્યાએ આ બોલને જોયા વગર પાછળની તરફ શોટ ફટકાર્યો અને તે 4 રન બનાવવામાં સફળ રહ્યો. આ શોટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યા સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે શાનદાર બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને આસાન જીત અપાવી. હાર્દિક પંડ્યાએ આ મેચમાં માત્ર 16 બોલનો સામનો કર્યો અને 243.75ની સ્ટ્રાઈક રેટથી અણનમ 39 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ આ ઈનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ પાંચમી વખત હતું જ્યારે હાર્દિકે સિક્સર સાથે મેચનો અંત કર્યો હતો. પંડ્યા સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન આટલી વખત છગ્ગા વડે ટીમને જીતાડવામાં મદદ કરી શક્યો નથી.
The Aura is unreal #HardikPandya #INDvBAN pic.twitter.com/wYt7wpM9ER
— Dhoni Raina Team (@DhoniRainaTeam) October 7, 2024
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો નિર્ણય પણ સાચો સાબિત થયો. બાંગ્લાદેશની ટીમ 19.4 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 3-3 વિકેટ લીધી. જ્યારે હાર્દિક પંડ્યા, મયંક યાદવ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 128 રનનો ટાર્ગેટ 11.5 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પંડ્યા ઉપરાંત સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવે પણ 29-29 રન બનાવ્યા અને ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: IND vs BAN : બ્રેટ લી જે આખી કરિયરમાં ન કરી શક્યો તે આ ભારતીય ફાસ્ટ બોલરે કરી બતાવ્યું
Published On - 4:20 pm, Mon, 7 October 24