યુએઈમાં મહિલા T20 વિશ્વ કપની શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વ કપના પહેલા જ દિવસે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારે હોબાળો મચ્યો હતો. ખરેખર, શ્રીલંકન બેટ્સમેન નિલાક્ષી ડી સિલ્વા સૌથી પહેલા નાશરા સંધુના બોલ ઉપર આઉટ થઈ હતી. આ પછી તરત જ અમ્પાયરોએ આપેલો નિર્ણય બદલી નાખીને જે બોલ પર શ્રીલંકાની ખેલાડી નિલાક્ષી આઉટ થઈ હતી તેને ડેડ બોલ જાહેર કરવામાં આવ્યો.
આવુ થવા પાછળનું કારણ એ હતું કે, બોલિંગ કરતી વખતે પાકિસ્તાનની ખેલાડી નાશરા સંધુનો રૂમાલ પડી ગયો હતો. જેના કારણે નિલાક્ષી આઉટ થતા બચી ગઈ હતી. અમ્પાયરોના આ નિર્ણયને લઈને અનેક સ્તરે ઘણી ચર્ચાઓ થવા પામી હતી. શું તમે જાણો છો કે શા માટે અમ્પાયરોએ આઉટ આપેલા નિર્ણયને ડેડ બોલ જાહેર કરીને નોટ આઉટનો નિર્ણય લીધો?
ક્રિકેટમાં રૂમાલને લગતા નિયમો વિશે જાણતા પહેલા પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચમાં શું થયું તે જાણવું જરૂરી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાનની ટીમેને માત્ર 116 રન સુધી જ રોકી દીધા હતા. પાકિસ્તાને આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા હતા. નાશરા સંધુ 13મી ઓવરનો પહેલો બોલ ફેંકવા આવી હતી, જ્યારે નિલાક્ષી ડી સિલ્વા ક્રિઝ પર હાજર હતી.
જ્યારે નાશરા બોલ ફેંકી રહી હતી ત્યારે તેનો રૂમાલ મેદાન પર પડી ગયો હતો. નીલાક્ષીએ આ બોલને સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલ ચૂકી ગઈ અને એલબીડબલ્યુની માંગ પર તેને અમ્પાયરે આઉટ જાહેર કરી. પછી તેણે રૂમાલ પડી જવાની ફરિયાદ અમ્પાયરને કરી. આ અંગે ક્રિઝ પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની સલાહ લીધા બાદ, નાશરાના એ બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવ્યો અને નિલાક્ષી આઉટ થતા બચી ગઈ. અમ્પાયર્સના આ નિર્ણયને લઈને ભારે ચર્ચા ચાલી હતી. કેટલાક ચાહકોનું કહેવું છે કે બેટ્સમેનને આઉટ આપવો જોઈતો હતો કારણ કે તેણી એ બોલ પર શોટ રમી હતી.
MCC નિયમોના ક્લોઝ 20.4.2.6 મુજબ, જો સ્ટ્રાઈક પર ઊભેલા બેટ્સમેન બોલ રમતા પહેલા કોઈપણ અવાજ કે હલનચલન કે અન્ય કોઈ કારણથી વિચલિત થાય છે, તો તેને ડેડ બોલ જાહેર કરવામાં આવે છે. નીલાક્ષીના કિસ્સામાં પણ એવું જ થયું, પાકિસ્તાની બોલરનો રૂમાલ શોટ રમતા પહેલા જ પડી ગયો હતો. જો કે તેનાથી પાકિસ્તાનને કોઈ ખાસ નુકસાન થયું નથી. પાકિસ્તાનની ટીમ આ મેચ 31 રને જીતવામાં સફળ રહી હતી.
તાજેતરમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પણ આવી જ ઘટના જોવા મળી હતી. સમરસેટ અને હેમ્પશાયર વચ્ચેની મેચમાં શોએબ બશીરને કાયલ એબોટે બોલ્ડ કર્યો હતો. પરંતુ એબોટનો રૂમાલ પડી જવાને કારણે આ બોલને ડેડ બોલ માનવામાં આવ્યો હતો અને તે આઉટ થતા બચી ગયો હતો.