
ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની આઠમી લીગ મેચમાં બાંગ્લાદેશ મહિલા ટીમ અને ઈંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. ઈંગ્લેન્ડે આ મેચ ચાર વિકેટથી જીતીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી. આ મેચ ઓછા સ્કોરવાળી હતી, પરંતુ ઓછા સ્કોર છતા, બાંગ્લાદેશે ઈંગ્લેન્ડને મજબૂત લડત આપી. જોકે, તેઓ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા.
બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 178 રન બનાવ્યા અને ઓલઆઉટ થઈ ગઈ . શોભના મોસ્ટારીએ સૌથી વધુ 60 રન બનાવ્યા. રાબેયા ખાને 27 બોલમાં અણનમ 43 રન બનાવ્યા. રૂબિયા હૈદરે પણ 30 રનનું યોગદાન આપ્યું. જોકે, બાકીના બેટ્સમેન 10 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યા નહીં. વધુમાં, બાંગ્લાદેશે આ ઇનિંગમાં 211 ડોટ બોલનો સામનો કર્યો.
બીજી તરફ, ઈંગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોને 10 ઓવરમાં માત્ર 24 રન આપીને ત્રણ વિકેટ લીધી. લિન્સે સ્મિથ, ચાર્લી ડીન અને એલિસ કેપ્સીએ પણ બે-બે વિકેટ લીધી. લોરેન બેલે પણ એક વિકેટ લીધી.
ઈંગ્લેન્ડનું બેટિંગ પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું. ઈંગ્લેન્ડે 29 રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ હીથર નાઈટ અને નેટ સાયવર-બ્રન્ટે ટીમને સ્થિર કરી, પરંતુ સાયવર-બ્રન્ટ પણ ફક્ત 32 રન જ બનાવી શકી. જોકે, હીથર નાઈટ એક છેડે બેટિંગ કરી, એલિસ કેપ્સી અને ચાર્લી ડીન સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને વિજય તરફ દોરી ગઈ. નાઈટે 111 બોલમાં અણનમ 79 રન બનાવ્યા, જેના કારણે ઈંગ્લેન્ડે 46.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું.
આ જીત સાથે ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ભારત પ્રથમથી બીજા સ્થાને આવી ગયું છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં બે-બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. જોકે, ઈંગ્લેન્ડનો નેટ રન રેટ ભારત કરતા સારો છે, જેના કારણે તેઓ પ્રથમ સ્થાને પહોંચી ગયા છે.
આ પણ વાંચો: Video : યુઝવેન્દ્ર ચહલ બીજીવાર લગ્ન કરવા માટે ઉત્સુક, પણ ‘ગબ્બર’ શિખર ધવન રસ્તામાં બન્યો અવરોધ