
T20 વર્લ્ડ કપમાં શ્રીલંકા અને ઓમાન વચ્ચે રમાયેલી મેચમાં શ્રીલંકન બેટ્સમેનોએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવીને પ્રેક્ષકોના પૈસા વસૂલ કરી દીધા હતા. શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે ઓમાન જેવી ટીમ માટે ખૂબ જ પડકારજનક સાબિત થયો. શ્રીલંકાની શરૂઆત ભલે થોડી ધીમી રહી હોય પરંતુ મધ્ય ક્રમમાં કુશલ મેન્ડિસ અને પવન રથનાયકેની તોફાની બેટિંગે મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું.
કુશલ મેન્ડિસે પોતાની લય જાળવી રાખતા 45 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ પવન રથનાયકેએ તો માત્ર 28 બોલમાં 60 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
મેચનો ખરો રોમાંચ ડેથ ઓવર્સમાં જોવા મળ્યો, જ્યારે કેપ્ટન દાસુન શનાકાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. શનાકાએ માત્ર 20 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 50 રન પુરા કર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 250 જેટલો રહ્યો હતો. અંતમાં કામિન્દુ મેન્ડિસે પણ આક્રમક રમત બતાવી 7 બોલમાં 19 રન બનાવીને ટીમનો સ્કોર 225 સુધી પહોંચાડી દીધો હતો.
ઓમાનના બોલરો માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. સુફિયાન મહેમૂદે ભલે એક વિકેટ ઝડપી હોય પરંતુ તેણે 4 ઓવરમાં 60 રન આપ્યા હતા. જિતેન રામાનંદીએ પોતાની 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, જે ઓમાન તરફથી સૌથી સફળ બોલર રહ્યો હતો.
વિશાળ સ્કોરને ચેઝ કરવા ઊતરેલ ઓમાન ટીમ પર માનસિક દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. મોહમ્મદ નદીમ સિવાય કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ટકી શક્યો નહોતો. નદીમે એક છેડો સાચવી રાખતા ઓમાન ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો. નદીમે 56 બોલમાં 53 રન બનાવ્યા હતા, જે T20I માં ખાસ કરીને વર્લ્ડ કપમાં એક ધીમી ઇનિંગ છે. જો કે, તેની આ ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
ઓમાન તરફથી નદીમ સિવાય વસીમ અલીએ 20 બોલમાં 3 છગ્ગાની મદદથી 27 રનનું યોગદાન આપ્યું હતું. બીજીબાજુ શ્રીલંકા તરફથી મહેશ થીક્ષાનાએ 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 2 વિકેટ ઝડપી હતી અને દુષ્મંથા ચમીરાએ પણ 19 રન આપીને 2 મહત્વની વિકેટ મેળવી હતી. શ્રીલંકાના આ શાનદાર બોલિંગ પ્રદર્શન સામે ઓમાનની આખી ટીમ લાચાર દેખાઈ હતી અને શ્રીલંકાએ આસાન જીત હાંસલ કરી હતી.
Published On - 2:26 pm, Thu, 12 February 26