
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇટાલી સામે નેપાળને કારમી હારનો સામનો કરવો પડ્યો. પહેલીવાર T20 વર્લ્ડ કપ રમી રહેલા ઇટાલીએ પોતાની બીજી મેચમાં જ પોતાનો પહેલો વિજય મેળવ્યો. ઇટાલીએ ફક્ત 76 બોલમાં મેચ જીતી લીધી. નેપાળ ઇટાલીની એક પણ વિકેટ ન લઇ શક્યું. ઇટાલીએ 124 રનના લક્ષ્યનો પીછો કરતા 12.4 ઓવરમાં 124 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
ઇટાલીની જીતમાં ટીમના બેટ્સમેનો અને બોલરોએ મજબૂત રમત બતાવી હતી. ઇટાલીના ઓપનર, જસ્ટિન મોસ્કા અને એન્થોની મોસ્કાએ અણનમ અડધી સદી ફટકારી હતી. જસ્ટિને અણનમ 60 રન, જ્યારે એન્થોનીએ અણનમ 62 રન ફટકાર્યા હતા. આ બંને ખેલાડીઓ ભાઈઓ છે અને બંને નેપાળ પર ભારે પડ્યા હતા. સાથે મળીને, તેઓએ નવ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. ઇટાલીએ 9.7 ના રન રેટ સાથે ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
લેગ-સ્પિનર કૃષ્ણા કાલુગમાગે ઇટાલીના પ્રથમ T20 વર્લ્ડ કપ વિજયનો હીરો બન્યો. તેણે 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે નેપાળના કેપ્ટન રોહિત પૌડેલ, દીપેન્દ્ર સિંહ એરી અને ગુલશન ઝાની મહત્વપૂર્ણ વિકેટો લીધી, જેના પરિણામે નેપાળની ટીમ 20 ઓવરમાં ફક્ત 123 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરનાર નેપાળ ઇટાલી સામે ખરાબ રીતે નિષ્ફળ ગયું. ઓપનર કુશલ ભુર્ટેલ માત્ર 5 રન બનાવીને આઉટ થયો. આસિફ શેખે 20, રોહિત પૌડેલે 23 અને દીપેન્દ્ર સિંહ એરીએ 17 રન બનાવ્યા. નેપાળનો કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો નહીં, જેના પરિણામે ટીમ નિષ્ફળ ગઈ.