T20 World Cup Breaking News: સ્કોટલેન્ડનો ભવ્ય વિજય, ડેબ્યૂ મેચમાં ઈટાલીની 73 રને હાર

વર્ષ 2026 ના T20 વર્લ્ડ કપના એક ઐતિહાસિક મુકાબલામાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ક્રિકેટના બે અલગ-અલગ લેવલ જોવા મળ્યા. ખાસ વાત એ છે કે, આ મેચમાં ઈટાલીની ટીમે ડેબ્યૂ કર્યું હતું.

T20 World Cup Breaking News: સ્કોટલેન્ડનો ભવ્ય વિજય, ડેબ્યૂ મેચમાં ઈટાલીની 73 રને હાર
Image Credit source: Cricinfo
| Updated on: Feb 09, 2026 | 2:21 PM

ઈટાલીની ટીમે પોતાના વર્લ્ડ કપ ડેબ્યૂ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો પરંતુ સ્કોટલેન્ડના અનુભવી બેટ્સમેનોએ તેમના આ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો.

ઈટાલીના બોલરો ધ્વસ્ત

સ્કોટલેન્ડ તરફથી ઓપનિંગ બેટ્સમેન જ્યોર્જ મુન્સેએ મેદાનની ચારે બાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરતા શાનદાર 84 રનની ઇનિંગ રમી હતી. મુન્સે અને માઈકલ જોન્સની 126 રનની ભાગીદારીએ ઈટાલીના બોલરોને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધા હતા.

અંતમાં બ્રેન્ડન મેકમુલનની તોફાની બેટિંગની મદદથી સ્કોટલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 207 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ઈટાલીની મુશ્કેલીઓ ત્યારે વધુ વધી ગઈ, જ્યારે તેમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી વેન મેડસેન ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર જતા રહ્યા.

ઇટાલિયન બેટ્સમેનો પણ ‘બેકફૂટ’

208 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈટાલીની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. અનુભવી સ્કોટિશ બોલિંગ આક્રમણ સામે ઇટાલિયન બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બેન માનેન્ટીએ 37 રનની લડાયક ઇનિંગ રમીને થોડી આશા જગાડી હતી પરંતુ બીજા છેડેથી વિકેટ પડવાનો સિલસિલો અટક્યો નહીં.

એકતરફી જીત મેળવી

સ્કોટલેન્ડના બોલરો, ખાસ કરીને માઈકલ લીસ્ક અને બ્રેડ વ્હીલે પોતાની સચોટ લાઇન અને લેન્થથી ઈટાલીના મધ્ય ક્રમને હચમચાવી દીધો હતો. સમગ્ર ઇટાલિયન ટીમ 16.4 ઓવરમાં માત્ર 134 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જેના પરિણામે સ્કોટલેન્ડે 73 રનના મોટા અંતરથી એકતરફી જીત નોંધાવી હતી. ભલે ઈટાલીને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ઈડન ગાર્ડન્સના પ્રેક્ષકોએ તેમની રમત ભાવનાનું દિલ ખોલીને સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: T20 World Cup Breaking News: સૌથી ‘મોટો રેકોર્ડ’ હવે ભારતના નામે… વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું