
T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 રાઉન્ડની મહત્વપૂર્ણ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે મુશ્કેલ પરિસ્થિતિમાંથી જબરદસ્ત વાપસી કરતા 20 ઓવરમાં 176/8 રન બનાવ્યા. 83 રનમાં 7 વિકેટ ગુમાવ્યા પછી જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડની શાનદાર ભાગીદારીએ ગેમ બદલી નાખી. દક્ષિણ આફ્રિકાને પડકારજનક ટાર્ગેટ મળ્યો છે.
સુપર-8 નો આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે, જ્યાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં તેમનો નિર્ણય યોગ્ય લાગ્યો, કારણ કે વેસ્ટ ઇન્ડીઝે શરૂઆતનો ઓવરોમાં જ મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી.
વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં શાઈ હોપ 16 રન બનાવી આઉટ થયો, ત્યારબાદ શિમરોન હેટમાયર માત્ર 2 રન પર પેવેલિયન પરત ફર્યો. ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને ટીમ પર દબાણ વધતું ગયું.
મધ્ય ઓવરોમાં પણ પરિસ્થિતિ સુધરી નહીં. નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને એક સમયે સ્કોર 83 રનમાં 7 વિકેટ સુધી સીમિત રહ્યો. તે સમયે એવું લાગતું હતું કે ટીમ 120 રન સુધી પણ પહોંચી શકશે નહીં, પણ એવું થયું નહીં.
આ ખરાબ સમયમાં જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડે ઇનિંગ સંભાળી. બંનેએ સમજદારીપૂર્વક રમત બનાવી અને ખરાબ બોલ પર આક્રમક શોટ લગાવ્યા. બંને વચ્ચે આઠમી વિકેટ માટે 57 બોલમાં 89 રનની ભાગીદારી થઈ, જે ઇનિંગ્સનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
શેફર્ડે 37 બોલમાં અણનમ 52 રન ફટકાર્યા, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ હતો. હોલ્ડરે પણ મહત્વપૂર્ણ 49 રન ઉમેર્યા. બંને બેટ્સમેનોની લડાયક ઇનિંગ્સના કારણે વેસ્ટ ઇન્ડીઝ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું.
હવે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક મળ્યો છે. આ મેચનું પરિણામ સેમિફાઇનલની રેસ માટે નિર્ણાયક બની શકે છે. દક્ષિણ આફ્રિકાની જીત તેમને લગભગ ક્વોલિફિકેશનની નજીક લઈ જશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝની જીત ગ્રુપ સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. ક્રિકેટપ્રેમીઓ માટે આ મુકાબલો રોમાંચથી ભરેલો સાબિત થઈ રહ્યો છે.