
ચેન્નાઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ના કેપ્ટન મુહમ્મદ વસીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. UAE ની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો, જે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
UAE ની શરૂઆત થોડી નબળી રહી હતી કારણ કે આર્યાશ શર્મા માત્ર 8 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જો કે, ત્યારબાદ કેપ્ટન મુહમ્મદ વસીમ અને અલીશાન શરાફુએ બાજી સંભાળી હતી. આ બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 107 રનની શાનદાર ભાગીદારી કરી ન્યૂઝીલેન્ડના બોલરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.
અલીશાન શરાફુએ 47 બોલમાં 55 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન મુહમ્મદ વસીમ અંત સુધી અણનમ રહ્યો હતો. વસીમે 45 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્રમક 66 રન ફટકાર્યા હતા. છેલ્લી ઓવરોમાં મયંક કુમારે પણ 21 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ છેલ્લી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી, જ્યારે સેન્ટનર અને ફર્ગ્યુસનને 1-1 વિકેટ મળી હતી.
174 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. ફિન એલન અને ટીમ સીફર્ટે UAE ના બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. ફિન એલને માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જ્યારે ટીમ સાઇફર્ટે પણ એટલી જ ઝડપથી રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. પાવરપ્લેમાં જ ન્યૂઝીલેન્ડે સ્કોરબોર્ડ પર મોટા રન ખડકી દીધા હતા, જેના કારણે UAE ના બોલરો લય ગુમાવતા દેખાયા હતા.
ટિમ સાઇફર્ટે માત્ર 42 બોલમાં વિસ્ફોટક 89 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ફિન એલને પણ સામા છેડેથી શાનદાર સાથ આપ્યો અને 50 બોલમાં 84 રન ફટકારી દીધા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા લગાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ માટે આ ટૂર્નામેન્ટની બીજી સતત જીત છે, જ્યારે UAE એ હાર સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડની બોલિંગ અને બેટિંગ બંને અત્યારે લયમાં જોવા મળી રહી છે, જે આગામી મેચમાં દક્ષિણ આફ્રિકા જેવી મોટી ટીમ માટે ચેતવણી સમાન છે.
Published On - 6:12 pm, Tue, 10 February 26