
CBSE દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. એવામાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની ધોરણ 10ની CBSE માર્કશીટનો ફોટો ફરીથી વાયરલ થયો છે. આ માર્કશીટનો ફોટો સૌપ્રથમ 2023માં IAS અધિકારી જિતિન યાદવે શેર કર્યો હતો પરંતુ હવે ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની નિવૃત્તિ બાદ આ ફોટો ફરીથી વાયરલ થયો છે.
કેટલા ગુણ મેળવ્યા?
માર્કશીટમાં જોવા મળી રહ્યું છે કે, કોહલીએ 600 માંથી 419 ગુણ મેળવ્યા છે. કોહલીએ અંગ્રેજીમાં (83), સામાજિક વિજ્ઞાનમાં (81) અને હિન્દીમાં (75) માર્કસ મેળવ્યા છે. આ સિવાય ગણિતમાં (51), વિજ્ઞાન અને ટેકનોલોજીમાં (55) અને ઈન્ટ્રોડક્ટરી ITમાં (74) માર્કસ મેળવ્યા છે. જિતિન યાદવે @Jitin_IAS એ આ પોસ્ટ શેર કરી અને લખ્યું કે, “જો ફક્ત માર્કસથી જ તુલના કરવામાં આવતી તો આજે આખો દેશ કોહલી પાછળ ન ઉભો રહેત, જુસ્સો અને સમર્પણ જ સફળતાની વાસ્તવિક ચાવી છે.”
Had marks been the sole factor, the entire nation wouldn’t be rallying behind him now.
Passion and Dedication are the key. @imVkohli pic.twitter.com/aAmFxaghGf— Jitin Yadav (@Jitin_IAS) August 9, 2023
આ તસવીરે સોશિયલ મીડિયા પર યુઝર્સના એકવાર ફરીથી દિલ જીતી લીધા છે. એક યુઝરે લખ્યું કે, “સફળતા ગણિત અને વિજ્ઞાનના માર્કસ કરતાં ઘણી આગળ છે.” જ્યારે બીજા યુઝરે લખ્યું કે, “માર્કસ ફક્ત એક કાગળ પૂરતા જ છે અસલી કિંમત તો મહેનત અને ધગશથી પરખાય છે.”
ODI ફોર્મેટમાં દેખાશે ‘કિંગ કોહલી’
જણાવી દઈએ કે, આ અઠવાડિયે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે એક ભાવનાત્મક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતાં કહ્યું કે, “14 વર્ષ પહેલાં જ્યારે મેં ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ કેપ પહેરી હતી, ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ સફર આટલી ખાસ હશે. ટેસ્ટ ફોર્મેટે મને જીવનભરના પાઠ શીખવ્યા છે.” નોંધનીય છે કે, કોહલી જૂન 2024માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તે ફક્ત ODI ફોર્મેટમાં જ રમતો જોવા મળશે.