6,6,6,6,4… હાર્દિક પંડ્યાએ CSKના નવા બોલરને બરાબર ફટકાર્યો, જુઓ વીડિયો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં હાર્દિક પંડ્યાનું શાનદાર ફોર્મ ચાલુ છે. તમિલનાડુ સામે રમાયેલી મેચમાં પણ તેણે મેચવિનિંગ ઈનિંગ રમી હતી. આ મેચ દરમિયાન તેણે CSKના નવા ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહની 1 ઓવરમાં 29 રન ફટકાર્યા હતા, જેમાં ચાર સિક્સર અને એક ફોર સામેલ છે.

6,6,6,6,4... હાર્દિક પંડ્યાએ CSKના નવા બોલરને બરાબર ફટકાર્યો, જુઓ વીડિયો
Hardik Pandya & Gurjapneet Singh
Image Credit source: PTI/INSTAGRAM
| Updated on: Nov 27, 2024 | 10:00 PM

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં બરોડા અને તમિલનાડુની ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં બંને ટીમોએ 200થી વધુ રન બનાવ્યા હતા અને મેચના છેલ્લા બોલ પર વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરોડા ટીમ તરફથી રમતા હાર્દિક પંડ્યાએ આ મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ ઝડપી બોલર ગુરજપનીત સિંહ સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેને તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ખરીદ્યો હતો.

બરોડા અને તમિલનાડુ વચ્ચે રોમાંચક મેચ

બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં બરોડાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તમિલનાડુએ પ્રથમ બેટિંગ કરીને જોરદાર રમત દાખવી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. જવાબમાં બરોડાની ટીમે મેચના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને 222 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને જીત મેળવી હતી. બરોડાની જીતનો હીરો હતો હાર્દિક પંડ્યા. હાર્દિકે 230ના સ્ટ્રાઈક રેટથી 30 બોલમાં 69 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

હાર્દિકે ગુરજપનીતની ઓવરમાં 29 રન ફટકાર્યા

બરોડાની ઈનિંગ્સની 17મી ઓવર દરમિયાન, હાર્દિક પંડ્યાનો સામનો CSKના નવા બોલર ગુરજપનીત સિંહ સાથે પણ થયો હતો. પંડ્યાએ ગુરજપનીત સિંહની ઓવરના પહેલા 3 બોલ પર 3 સિક્સર ફટકારી હતી. આ પછી ગુરજપનીત સિંહે નો બોલ ફેંક્યો. ત્યારબાદ પંડ્યાએ પણ ચોથા બોલ પર સિક્સર અને પાંચમા બોલ પર ફોર ફટકારી હતી. ઓવરના છેલ્લા બોલ પર 1 રન આવ્યો. હાર્દિક પંડ્યાએ ગુરજપનીત સિંહની ઓવરમાં કુલ 29 રન બનાવ્યા હતા અને 1 રન પણ નો બોલથી આવ્યો હતો, એટલે કે આ ઓવરમાં ગુરજપનીતે કુલ 30 રન આપ્યા હતા.

 

કોણ છે ગુરજપનીત સિંહ?

26 વર્ષીય લેફ્ટ આર્મ સીમર ગુરજપનીત સિંહ IPL ઓક્શન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. ગુરજપનીત સિંહ ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ માટે રમે છે. 6 ફૂટ 3 ઈંચ લાંબો ગુરજપનીત IPL ની હરાજીમાં 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સાથે આવ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ ટીમોએ તેને ખરીદવા માટે ભારે બોલી લગાવી, અંતે CSKએ તેને રૂ. 2.20 કરોડમાં તેમની ટીમનો ભાગ બનાવ્યો.

આ પણ વાંચો: IPL ઓક્શનમાં કોઈ ટીમે ન ખરીદ્યો, હવે મેચમાં પણ રહ્યો સુપર ફ્લોપ, પૃથ્વી શો ક્યારે સુધરશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો