
એશિયા કપ 2025નું શેડ્યુલ અને વેન્યુ નક્કી થઈ ચૂક્યું છે. 9 સપ્ટેમ્બરના રોજ ટૂર્નામેન્ટ શરુ થશે. આ વખતે આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટ હેઠળ યુએઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનો મોટો મુકાબલો 14 સપ્ટેમ્બરે રમાશે. આ મેચ પર તમામની નજર રહેલી છે. પરંતુ આ મેચને બાયકોટ પણ જોરશોરથી થઈ રહ્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય નાગરિકોમાં ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે આ મેચને લઈ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું મોટું નિવદેન સામે આવ્યું છે.
એક મીડિયા સાથે વાતચીત દરમિયાન હરભજન સિંહે કહ્યું સમજવું પડશે કે, જરુરી શું છે? અને શું નહી. આ ખુબ સરળ છે. મારા માટે એ સૈનિકો જે સરહદ પર ઉભા છે. જેનો પરિવાર કેટલીક વખત તેને મળી પણ શકતો નથી. ક્યારેક તો શહિદ પણ થઈ જાય છે. ઘરે પરત ક્યારેય ફરતા નથી. તેનું બલિદાન આપણા બધા માટે મોટું છે. તેની સામે, એ બહુ નાની વાત છે કે આપણે ક્રિકેટ મેચ રમવાનું બંધ ન કરી શકીએ. એ બહુ નાની વાત છે.
હાલમાં પૂર્ણ થયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડસ 2025ની ટૂર્નામેન્ટમાં પણ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓએ પાકિસ્તાન સામે મેચ રમવાની સ્પષ્ટ ના પાડી હતી. આને લઈ શિખર ધવનથી લઈ હરભજન સિહં સુધીના ખેલાડીઓનું નિવેદન સામે આવ્યું હતુ. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાન વિરુદ્ધ સેમિફાઈનલમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતુ. જેનાથી પાકિસ્તાનને ફાઈનલમાં વોકઓવર મળ્યું હતુ. પરંતુ પાકિસ્તાનને ફાઈનલમાં સાઉથ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 વખત ટકકર થઈ શકે છે. પહેલી મેચ 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં રમાશે. ત્યારબાદ બંન્ને ટીમની ટક્કર સુપર-4 અને ફાઈનલમાં પણ જોવા મળી શકે છે.