What Gujarat Think Today : ગુજરાત ટાઈટન્સની સફળતા, સ્પોર્ટ્સ લીડરશિપ અને T20 ક્રિકેટના ભવિષ્ય પર GT ના COO એ કર્યો મોટો ખુલાસો

ગુજરાત ટાઈટન્સના COO કર્નલ અરવિંદર સિંહે ટીમની IPL સફળતા પાછળના રહસ્યો ઉજાગર કર્યા છે. તેમણે ટીમવર્ક, કોમન ઈન્ટેન્ટ અને દબાણ હેઠળના પ્રદર્શનના મહત્વ પર ભાર મૂક્યો. યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને T20 ફોર્મેટના ક્રિકેટ પરના પરિવર્તનકારી પ્રભાવ વિશે પણ ચર્ચા કરી.

What Gujarat Think Today : ગુજરાત ટાઈટન્સની સફળતા, સ્પોર્ટ્સ લીડરશિપ અને T20 ક્રિકેટના ભવિષ્ય પર GT ના COO એ કર્યો મોટો ખુલાસો
Gujarat Titans
Image Credit source: PTI/X/GT
| Updated on: Mar 06, 2026 | 10:22 PM

ગુજરાત ટાઈટન્સ, IPLની દુનિયામાં એક નવું નામ, તેમણે પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનીને સૌને ચોંકાવી દીધા હતા. TV9 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં, ટીમના COO કર્નલ અરવિંદર સિંહે આ દમદાર પ્રદર્શન પાછળના રહસ્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

શૂન્યમાંથી ટીમને ઊભી કરી

કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું કે, 2022માં ટીમની રચના થઈ ત્યારે તેમની પાસે માત્ર બે મહિનાથી પણ ઓછો સમય હતો. ગુજરાત સરકાર અને GCA સહિત તમામ સંસ્થાઓના સહયોગથી ટીમને શૂન્યમાંથી ઊભી કરવામાં આવી.

પ્રથમ સિઝનમાં જ ટ્રોફી જીતવી મોટી સફળતા

પ્રથમ સિઝનમાં જ ટ્રોફી જીતવી એ ટીમવર્ક અને કોમન ઈન્ટેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સફળ ટીમ માટે ખેલાડીઓ, રણનીતિ, તાલીમ અને વિકાસ જેવા તમામ પાસાં મહત્વપૂર્ણ છે, પરંતુ તે બધાને એક તાંતણે બાંધતો કોમન ઈન્ટેન્ટ સૌથી વધુ જરૂરી છે.

અઢી મહિના સાથે રમવાની તક

ટીમના ખેલાડીઓ માત્ર અઢી મહિના માટે જ સાથે હોય છે, અને આ સમયગાળા દરમિયાન તેમને 14 લીગ મેચો રમવાની, ઘણો પ્રવાસ કરવાની અને સઘન પ્રેક્ટિસ કરવાની હોય છે. આ દરમિયાન પ્રદર્શનનું દબાણ ઘણું વધારે હોય છે.

 

સાઈ સુદર્શનનું ઉદાહરણ આપ્યું

કર્નલ સિંહે સાઈ સુદર્શનનું ઉદાહરણ આપતા કહ્યું કે, કેવી રીતે 19 વર્ષના એક યુવાન ખેલાડીએ ટીમ સાથે જોડાઈને પોતાની જાતને વિકસાવી અને આજે તે એક મોટો ખેલાડી બની ગયો છે.

ગુજરાત ટાઈટન્સ પાસે મસ્ટ-નોટ-હેવ લિસ્ટ

તેમનો કહેવાનો અર્થ હતો કે, વ્યક્તિગત પ્રતિભા કરતાં ટીમનું વાતાવરણ અને સહયોગ વધુ મહત્વનો છે. ગુજરાત ટાઈટન્સ પાસે મસ્ટ-નોટ-હેવ લિસ્ટ હોય છે, મસ્ટ-હેવ લિસ્ટ નહીં, જે ખેલાડીઓની પસંદગીના અનન્ય અભિગમને દર્શાવે છે.

ગુજરાત ટાઈટન્સનો અંડર-14 કાર્યક્રમ

યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ટાઈટન્સ અંડર-14 કાર્યક્રમ ચલાવે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં 20 થી 25 શાળાઓના લગભગ 1000 બાળકોને વિવિધ રમતોમાં સામેલ કરવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ અન્ય રમતોમાં પણ યુવાનોને કારકિર્દી બનાવવાની તક પૂરી પાડવાનો છે.

મતગમત યુવાનોના વિકાસ માટે મહત્વપૂર્ણ

કર્નલ સિંહ માને છે કે, રમતગમત યુવાનોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રમતગમત દ્વારા મળતી પ્રેરણા અને જીવન બદલવાની ક્ષમતા અમૂલ્ય છે. માતા-પિતા, કોચ, શિક્ષકો અને પરિવારના સહયોગથી યુવાનો સફળતાની ઉંચાઈઓ સર કરી શકે છે.

T20 એ ક્રિકેટ રમવાની રીત બદલી નાખી

IPL જેવી ટુર્નામેન્ટ્સે ભારતમાં રમતગમતમાં કારકિર્દી બનાવવાની તકોમાં ક્રાંતિ લાવી છે. કર્નલ સિંહે જણાવ્યું કે, T20 ફોર્મેટે ક્રિકેટને વધુ રસપ્રદ અને દર્શકો માટે અનુકૂળ બનાવ્યું છે. ગયા IPLમાં વિશ્વભરમાંથી 1.1 બિલિયન લોકોએ ટેલિવિઝન અને OTT પ્લેટફોર્મ પર IPL નિહાળી હતી, જે અન્ય કોઈ રમતગમત સ્પર્ધામાં જોવા મળતી નથી. T20એ રમતને રમવાની રીત બદલી નાખી છે, તેમ છતાં ટેસ્ટ અને ODI ક્રિકેટનું પોતાનું મહત્વ યથાવત છે.

ગુજરાત ટાઈટન્સ રમતગમતના વિકાસ માટે પ્રતિબદ્ધ

કર્નલ સિંહે નીરજ ચોપરા જેવા એથ્લીટ્સનું ઉદાહરણ આપીને ભારતીય રમતગમતના વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, સરકાર, પરિવાર અને રમતગમત સંગઠનોના સહયોગથી રમતવીરોને અભૂતપૂર્વ તકો મળી રહી છે. ગુજરાત ટાઈટન્સ માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ સમગ્ર રમતગમતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભવિષ્યમાં ગુજરાત કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે શ્રેષ્ઠ ખેલાડી તાલીમ સંસ્થાઓ તૈયાર કરવાની આશા છે.

T20 WC Breaking : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચનું લાઇવ અને ઓનલાઇન સ્ટ્રીમિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું?

Published On - 9:45 pm, Fri, 6 March 26