એડિલેડમાં અંગ્રેજોનું તોફાન! કાંગારૂઓને તેમની જ ધરતી પર ધૂળ ચટાડી, ઇંગ્લેન્ડની રેકોર્ડબ્રેક જીત
એડિલેડમાં રમાયેલી વનડે મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા સામે ભવ્ય વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લિશ ટીમે ટૉમ બેન્ટનની સદીની મદદથી 50 ઓવરમાં 355 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ લક્ષ્યને હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી અને ઇંગ્લેન્ડે મેચ પોતાના નામે કરી લીધી હતી.

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા 50 ઓવરમાં 6 વિકેટે 355 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઇનિંગ્સની શરૂઆતથી જ ઇંગ્લિશ બેટ્સમેનોએ આક્રમક અંદાજ અપનાવ્યો હતો, જેમાં ઓપનર ટૉમ બેન્ટને શાનદાર બેટિંગ કરતા 99 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 121 રનની શાનદાર સદી ફટકારી હતી. જો કે, બેન ડકેટ માત્ર 9 રન બનાવી આઉટ થઈ ગયો હતો.
ત્યારબાદ અનુભવી બેટ્સમેન જો રૂટે 68 બોલમાં 62 રનની ઉપયોગી ઇનિંગ રમીને ઇનિંગ્સને સંભાળી હતી. કેપ્ટન હેરી બ્રૂક પણ 5 રન બનાવી સસ્તામાં આઉટ થયો હતો. જો કે, ત્યારબાદ જોર્ડન કોક્સે 49 બોલમાં 67 રન અને વિલ જેક્સે 40 બોલમાં અણનમ 54 રન ફટકારીને ઇંગ્લેન્ડની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
નાની પણ તોફાની ઇનિંગ
અંતિમ ઓવરોમાં સેમ કરને 14 રન અને ગસ એટકિન્સને માત્ર 4 બોલમાં અણનમ 13 રનની નાની એવી તોફાની ઇનિંગ રમીને ટીમને 355 રનના સ્કોર સુધી પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઇનઅપ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ પૂરી રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર બાર્ટલેટે 10 ઓવરમાં 72 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જે સૌથી સફળ બોલર રહ્યો હતો. આ ઉપરાંત સ્પેન્સર જ્હોનસન, રિલે મેરેડિથ અને કૂપર કોનોલીએ 1-1 વિકેટ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ‘નિષ્ફળ’
356 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 44.3 ઓવરમાં માત્ર 220 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા, જેમાં કેપ્ટન મિચેલ માર્શ 2 રન અને ટ્રેવિસ હેડ 7 રન બનાવીને સસ્તામાં આઉટ થયા હતા.
મેટ રેન્શોએ 74 બોલમાં 63 રન અને કેમેરોન ગ્રીને 82 બોલમાં 64 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી પરંતુ ટીમને જીતની નજીક પણ લઈ જઈ શક્યા નહોતા. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને ઘાતક બોલિંગ કરતા 10 ઓવરમાં માત્ર 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ ઉપરાંત લિયામ ડોસન અને સૈમ કરને 2-2 વિકેટ મેળવી હતી, જ્યારે સન્ની બેકર અને જોફ્રા આર્ચરે 1-1 વિકેટ ઝડપી ઇંગ્લેન્ડને જીત અપાવી હતી.
