ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આવી ગયું છે. ભારતીય ટીમ આવતા વર્ષે 20 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં યોજાનારી આ ICC ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયાએ તેની તમામ મેચ લાહોરમાં રમવાની છે. જો કે ટીમ ફક્ત તેમની મેચો રમવા માટે જ પાકિસ્તાન જશે.
આવતા વર્ષે 7 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. છેલ્લી વખત આ ટૂર્નામેન્ટનું આયોજન વર્ષ 2017માં થયું હતું, જેમાં પાકિસ્તાન ભારતને હરાવીને વિજેતા બન્યું હતું. આ સંદર્ભમાં પાકિસ્તાનની ટીમ તેની યજમાનીમાં ખિતાબનો બચાવ કરવા પ્રયાસ કરશે.
અહેવાલો અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું છે. આ શેડ્યૂલ અનુસાર ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી, 23 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે બીજી મેચ રમશે. જ્યારે, ભારત ટુર્નામેન્ટના યજમાન અને તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. આ મેચ પહેલી માર્ચે રમાશે.
જો કે, આ શેડ્યૂલ હજી નક્કી નથી. BCCIએ હજુ સુધી પાકિસ્તાન જવા માટે પોતાની સંમતિ આપી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોતાની મેચ લાહોરમાં જ રમશે કે કોઈ તટસ્થ સ્થળે રમશે તે નક્કી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જાય છે કે નહીં તે સંપૂર્ણપણે ભારત સરકારના નિર્ણય પર નિર્ભર છે. સરકાર તરફથી લીલી ઝંડી મળતાં જ ભારતીય ટીમ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમતી જોવા મળી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનના 3 શહેરો – લાહોર, કરાચી અને રાવલપિંડી ખાતે થવાનું છે. પરંતુ ભારતની તમામ મેચ લાહોરમાં યોજાવાની છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ‘કંઈક ખોટું થયું છે’… ટીમ ઈન્ડિયાની હાર બાદ કેપ્ટન શુભમન ગિલે આવું કેમ કહ્યું?