
ટેસ્ટ અને T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે . તે 16 વર્ષ પછી કોઈ મોટી સ્થાનિક ટુર્નામેન્ટમાં રમવા માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન કોહલીએ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રોહન જેટલીને એક મહત્વપૂર્ણ અપડેટ આપી. તેણે લિસ્ટ A સ્થાનિક ક્રિકેટમાં પાછા ફરવાની જાહેરાત કરી, જે દિલ્હી અને ભારતીય ક્રિકેટ ચાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે.
24 ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં વિરાટ કોહલી દિલ્હીની જર્સી પહેરવા સંમત થયો છે . DDCAના પ્રમુખ રોહન જેટલીએ જણાવ્યું હતું કે ભારતીય સુપરસ્ટાર વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. કોહલીએ છેલ્લે ફેબ્રુઆરી 2010 માં સર્વિસિસ સામે વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો, જેનો અર્થ એ થાય કે તે લગભગ 16 વર્ષ પછી લિસ્ટ A ડોમેસ્ટિક ક્રિકેટમાં પાછો ફર્યો છે.
37 વર્ષનો કોહલી આ વર્ષે ટેસ્ટ ક્રિકેટ અને 2024 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો છે. હાલમાં, તે ફક્ત વનડે ફોર્મેટમાં ભારતીય ટીમનો ભાગ છે. તેથી તેણે પોતાનું ફોર્મ અને ફિટનેસ જાળવી રાખવા માટે આ નિર્ણય લીધો છે. BCCI પણ ઇચ્છે છે કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમે. દરમિયાન, રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં તેના વિસ્ફોટક અણનમ 135 રનથી ફરી એકવાર સાબિત થયું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે, અને કિંગ કોહલી હજુ પણ તેના શ્રેષ્ઠ ફોર્મમાં છે.
રોહન જેટલીએ જણાવ્યું હતું કે, “વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે તેની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. તે હજુ સુધી સ્પષ્ટ નથી કે તે કેટલી મેચ રમશે. સ્પષ્ટપણે, તેને સાથે રાખવાથી દિલ્હી ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનો ઉત્સાહ વધશે. દરમિયાન, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્મા વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમે તેવી અપેક્ષા છે.”
આ પણ વાંચો: IND vs SA બીજી ODI પહેલા દિગ્ગજ ક્રિકેટરનું અવસાન, ક્રિકેટ જગત શોકમાં, મોતનું કારણ અકબંધ
Published On - 10:28 pm, Tue, 2 December 25