
T20 વર્લ્ડ કપ 2026માં હાલમાં સુપર 8 રાઉન્ડના મુકાબલા રમાઈ રહ્યા છે. ત્યારબાદ નોકઆઉટ તબક્કો શરૂ થશે, જેમાં 2 સેમિફાઈનલ અને એક ફાઈનલ મેચનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ મુકાબલાઓને લઈને ICCએ એક મોટો નિર્ણય લીધો છે, જેના કારણે ટુર્નામેન્ટના શેડ્યૂલમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. જોકે, આ ફેરફાર કઈ ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરે છે અને કઈ ટીમો આમને-સામને આવે છે તેના પર આધારિત રહેશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) તાજેતરમાં સેમિફાઈનલના વેન્યૂ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી છે. આ નિર્ણય હેઠળ શ્રીલંકાને પોતાના ઘરઆંગણે સેમિફાઈનલ રમવાની તક મળી શકે છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાઈ રહ્યો છે.
સેમિફાઈનલ માટે હાઈબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યો છે, જેના અંતર્ગત મેચો ભારતના કોલકાતા અથવા મુંબઈ ઉપરાંત શ્રીલંકાના કોલંબોમાં પણ રમાઈ શકે છે. ખાસ કરીને પ્રથમ સેમિફાઈનલ ‘ફ્લોટિંગ’ રાખવામાં આવ્યો છે, એટલે કે તે કોલંબો અથવા કોલકાતા પૈકી કોઈ એક સ્થળે યોજાશે.
ICC મુજબ, જો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચે છે, તો તે 4 માર્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પોતાનો મુકાબલો રમશે. પરંતુ જો પાકિસ્તાન સેમિફાઈનલમાં સ્થાન મેળવી શકતું નથી અને શ્રીલંકા ક્વોલિફાઈ કરે છે, તો શ્રીલંકા ભારત સિવાયની કોઈપણ ટીમ સામે પોતાનો સેમિફાઈનલ કોલંબોમાં જ રમી શકે છે. ટુર્નામેન્ટ પહેલાં ICCએ જાહેરાત કરી હતી કે પાકિસ્તાનના સેમિફાઈનલ અને ફાઈનલ માટે શ્રીલંકાને પ્રાથમિકતા આપવામાં આવી હતી, પરંતુ હવે શ્રીલંકાને પોતાના ઘરઆંગણે સેમિફાઈનલ રમવાની સંભાવના પણ ઉમેરવામાં આવી છે. અગાઉના શેડ્યૂલ મુજબ શ્રીલંકાને સેમિફાઈનલ માટે ભારત જવું પડતું, પરંતુ હવે ICCએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન બહાર થાય તો શ્રીલંકા પોતાના દેશમાં જ રમશે.
જો ભારત સેમિફાઈનલમાં પહોંચે છે, તો સામાન્ય રીતે તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજો સેમિફાઈનલ રમશે. પરંતુ જો તેનો મુકાબલો પાકિસ્તાન સામે થાય, તો સેમિફાઈનલ કોલંબો ખસેડાઈ શકે છે. બીજી તરફ, જો પાકિસ્તાન અને શ્રીલંકા બંને સેમિફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ જાય, તો પ્રથમ સેમિફાઈનલ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં અને બીજો મુંબઈમાં યોજાશે.
Published On - 7:58 am, Tue, 24 February 26