
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) હાલમાં IPL 2026 પ્લેઓફ માટે દાવેદાર છે, પરંતુ તેમની અંતિમ લીગ મેચ પહેલા KKRને મોટો ઝટકો લાગ્યો છે. IPL 2026 માં ટીમનો સૌથી વધુ રન બનાવનાર યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી ઈજાને કારણે બાકીની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. અંગક્રિશ રઘુવંશીને છેલ્લી મેચ દરમિયાન ઈજા થયો હતો. જોકે, કોલકાતા નાઈટ રાઈડર્સે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.
20 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન અંગક્રિશ રઘુવંશીને ઈજા થઈ હતી. વરુણ ચક્રવર્તીના બોલ પર લાંબો કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે અંગક્રિશને ડાબી આંગળીમાં ઈજા થઈ હતી. તેને માથામાં પણ ઈજા થઈ હતી, જેના કારણે ગરદનમાં દુખાવો થયો હતો. તેજસ્વી સિંહ દહિયાને તાત્કાલિક કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે ટીમમાં લાવવામાં આવ્યો હતો, જેણે બાદમાં વિકેટકીપિંગ કરી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સે હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અંગક્રિશ રઘુવંશીની ઈજા અંગે અપડેટ આપ્યું છે. તેમણે માહિતી આપી છે કે અંગક્રિશ રઘુવંશીને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. કોલકાતા નાઈટ રાઈડર્સે લખ્યું છે કે, “20 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ દરમિયાન કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે ઈજા અને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયા બાદ અંગક્રિશ રઘુવંશી IPL 2026 માંથી બહાર થઈ ગયો છે.
IPL 2026 અંગક્રિશ રઘુવંશી માટે યાદગાર રહ્યું હતું. તેણે 13 મેચમાં 42.20 ની સરેરાશથી 422 રન બનાવ્યા, જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તે આ સિઝનમાં KKRનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેથી અંગક્રિશ રઘુવંશીની ગેરહાજરી ટીમ માટે એક મોટું નુકસાન છે.