
ભારતીય ક્રિકેટ ટીમે આખરે સતત 2 સિરીઝની હાર બાદ ઝિમ્બાબ્વેનો ક્લીન સ્વીપ કરીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. 3 મેચોની T20 સિરીઝના અંતિમ મુકાબલામાં ભારતીય ટીમે 35 રનથી જીત નોંધાવી અને યજમાન ઝિમ્બાબ્વેનો 3-0થી ક્લીન સ્વીપ કરી દીધો. પહેલા આયર્લેન્ડ અને પછી ઇંગ્લેન્ડમાં સિરીઝ હારનો સામનો કરનારી કેપ્ટન શ્રેયસ ઐયરની ટીમ પોતાના જૂના ફોર્મમાં પાછી ફરી ચૂકી છે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 192 રન બોર્ડ પર બનાવ્યા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 7 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી.
ઝિમ્બાબ્વેની શરૂઆત અત્યંત ખરાબ રહી, જ્યાં બ્રાયન બેનેટ (0) અને કેપ્ટન સિકંદર રઝા (0) ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. ટોપ ઓર્ડરમાં બેન કુરેન (20) અને ડિઓન માયર્સે (19) ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. આ પછી રયાન બર્લે એક છેડો સંભાળી રાખ્યો અને 43 બોલમાં 5 ચોગ્ગાની મદદથી અણનમ 54 રનની ઝંઝાવતી અડધી સદી રમી હતી. વેસ્લી મધેવેરે (28) અને બ્રેડ ઇવાન્સ (14)ના ઉપયોગી યોગદાનની મદદથી ઝિમ્બાબ્વેની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કરીને ઝિમ્બાબ્વેને મોટા સ્કોરથી રોકી રાખ્યું હતું. ઝડપી બોલર મયંક યાદવ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે પોતાની 4 ઓવરમાં 29 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ હાંસલ કરી હતી. યશ ઠાકુર થોડા મોંઘા સાબિત થયા (11.20 ઇકોનોમી), પરંતુ તેણે 45 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. નવા બોલર અશોક શર્માએ અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને 1 સફળતા મેળવી, જ્યારે સ્પિનર રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ સિવાય સૂર્યાંશ શેડગે (2 ઓવર, 15 રન) અને અભિષેક શર્માએ (2 ઓવર, 18 રન) પણ કિફાયતી સ્પેલ ફેંક્યો હતો
આ પહેલાં ટીમ ઇન્ડિયાએ ત્રીજા T20 મુકાબલામાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક અડધી સદીની મદદથી 5 વિકેટના નુકસાને 192 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. અભિષેક ફરી ફ્લોપ રહ્યો અને માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. વૈભવ અને ત્રીજા નંબરે આવેલા ઇશાન કિશને ઇનિંગ્સને સંભાળી હતી. બંને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 50 બોલમાં 75 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 95 સુધી પહોંચાડ્યો. ઇશાન બીજી વિકેટના રૂપમાં 26 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો.
વૈભવે કેપ્ટન શ્રેયસ ઐયર સાથે ત્રીજી વિકેટ માટે 50 રન જોડ્યા હતા, જ્યારે એવું લાગી રહ્યું હતું કે વૈભવ પોતાની પહેલી T20 સદી પૂરી કરી લેશે, તે જ સમયે તે 81ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. વૈભવની આ બીજી આંતરરાષ્ટ્રીય અડધી સદી હતી. 49 બોલની આ ઇનિંગ્સમાં વૈભવે 4 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
શ્રેયસ ઐયર સારી શરૂઆતને ફરી એકવાર મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં. ભારતીય કેપ્ટન 18 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્માએ 9 બોલમાં અણનમ 11 અને રિંકુ સિંહે 14 બોલમાં 25 રન બનાવીને ભારતીય ટીમનો સ્કોર 5 વિકેટે 192 સુધી પહોંચાડ્યો હતો. રિંકુ ઇનિંગ્સના છેલ્લા બોલ પર આઉટ થયો હતો.
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ 4 ઓવરમાં 40 રન આપીને 1, બ્લેસિંગ મુઝારાબાનીએ 4 ઓવરમાં 33 રન આપીને 1, વેસ્લી મધેવેરેએ 4 ઓવરમાં 37 રન આપીને 1 અને બ્રેડ ઇવાન્સે 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી.