
ઈન્ડિયા ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL 2025) માંથી સત્તાવાર રીતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે. અગાઉ ભારત-પાકિસ્તાન મેચ લીગ સ્ટેજમાં રદ કરવામાં આવી હતી, અને હવે સેમિફાઈનલ પહેલા પણ, ભારતીય ટીમે પાકિસ્તાન સામે ન રમવાનો નિર્ણય લીધો છે. જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેના કારણે ભારતીય ખેલાડીઓના ભારે વિરોધ બાદ લીગ તબક્કામાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરેશ રૈના અને શિખર ધવન જેવા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મેચમાં ભાગ લેશે નહીં.
સેમિફાઈનલ મેચ પહેલા પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. એક અહેવાલ મુજબ, ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાંથી ખસી ગયું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે સીધું ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે.
તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સના લીગ તબક્કામાં 20 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની હતી. પરંતુ ખેલાડીઓને ચાહકો તરફથી તીવ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ આ મેચમાં રમવાનો ઈનકાર કરી દીધો હતો અને મેચ રદ કરવામાં આવી હતી. હવે બંને ટીમો 31 જુલાઈએ સેમિફાઈનલ મેચમાં ટકરાવવાની હતી. પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફ સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખવાનો નિર્ણય કર્યો.
તમને જણાવી દઈએ કે, આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સિઝન છે. પહેલી સિઝન ઈન્ડિયા ચેમ્પિયન્સે જીતી હતી. ઈન્ડિયા ચેમ્પિયન્સે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ફાઈનલ જીતી હતી. આ વખતે પણ ઈન્ડિયા ચેમ્પિયન્સ સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી. પરંતુ હવે ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે.
આ પણ વાંચો: Breaking News : ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો, WCL 2025ની સેમિફાઈનલ મેચ થશે રદ