Breaking News : ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો, WCL 2025ની સેમિફાઈનલ મેચ થશે રદ

ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની સેમિફાઈનલમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કરી દીધો છે. અગાઉ, ભારતીય ખેલાડીઓ લીગ સ્ટેજમાં પણ પાકિસ્તાન સામે એક પણ મેચ રમ્યા ન હતા.

Breaking News : ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો, WCL 2025ની સેમિફાઈનલ મેચ થશે રદ
India Champions
Image Credit source: X/WCL
| Updated on: Jul 30, 2025 | 5:23 PM

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 દરેકનું ધ્યાન ખેંચી રહી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા 6 દેશોના લિજેન્ડ ખેલાડીઓ આ લીગમાં રમી રહ્યા છે. આ લીગની સેમિફાઈનલ મેચ 31 જુલાઈએ રમાનારી છે. પહેલી સેમિફાઈનલ મેચ ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયનની ટીમો વચ્ચે રમાશે. પરંતુ આ મેચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે.

ભારત-પાકિસ્તાન મેચ ફરી રદ થશે

ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો છે. ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફ સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખી છે. આ નિર્ણય લીગ સ્ટેજ મેચ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય પ્રાયોજકે પાકિસ્તાન સામે રમવાનો વાંધો ઉઠાવ્યો હતો.

લીગ સ્ટેજમાં પણ મેચ રમાઈ નહીં

આ લીગમાં આ પહેલીવાર નથી. અગાઉ લીગ સ્ટેજમાં પણ ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે મેચ રમવાની હતી. પરંતુ તે પછી પણ ભારતીય ખેલાડીઓએ મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો અને બંને ટીમો વચ્ચે પોઈન્ટ વહેંચાઈ ગયા હતા. પરંતુ આ વખતે નોકઆઉટ મેચ છે અને ફાઈનલની ટિકિટ દાવ પર લાગી છે. આવી સ્થિતિમાં, કઈ ટીમ ફાઈનલમાં સ્થાન મેળવશે તે એક મોટો પ્રશ્ન છે. અથવા ભારતીય ટીમની સેમિફાઈનલ મેચ કોઈ અન્ય ટીમ સાથે યોજાઈ શકે છે.

આતંકવાદી હુમલા બાદ વધ્યો તણાવ

હકીકતમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. તેની અસર રમતગમત પર પણ પડી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પાકિસ્તાન સામેની સેમિફાઈનલ મેચ રમવાનો ઈનકાર કરી દીધો હતો. એ બાદ હરભજન, ઈરફાન, યુસુફ સહિત તમામ ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો હતો.

રોમાંચક મેચ જીતી સેમિફાઈનલમાં પ્રવેશ

મંગળવારે ઈન્ડિયા ચેમ્પિયન્સે પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર 13.2 ઓવરમાં હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સિઝનમાં ઈન્ડિયા ચેમ્પિયન્સનો આ પહેલો વિજય પણ હતો, જેના કારણે તેઓ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહ્યા હતા. અગાઉ ઈન્ડિયા ચેમ્પિયન્સને દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: IND vs ENG : ઓવલ ટેસ્ટ મેચમાં વરસાદ પડવાની શક્યતા, જાણો પાંચ દિવસ કેવું રહેશે હવામાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો