
પાકિસ્તાનને એક વિકેટથી હરાવી ભારત અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ચેમ્પિયન બન્યું હતઉ. અલ અમરાતમાં રમાયેલી આ મેચમાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવીને 338 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ અંતિમ બોલે બાઉન્ડ્રી ફટકારી પાકિસ્તાનના જડબામાંથી જીત છીનવી લીધી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા હતા. ઓપનર ઉસ્માન ખાને 111 બોલમાં 107 રનની સદી ફટકારી હતી, જ્યારે અબ્દુલ કાદિરે 54 બોલમાં 80 રન બનાવ્યા હતા. કેપ્ટન ફરહાન યુસુફે પણ 60 બોલમાં 63 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કાવ્યા પટેલે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે ચિગુરુપતિ વેંકટાએ ત્રણ વિકેટ લીધી હતી.
338 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને આર્યવીર સેહવાગ અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીની જોડીએ સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ હતી. હાથમાં ઈજા હોવા છતાં આર્યવીરે 61 બોલમાં 58 રન બનાવ્યા હતા. લક્ષ્યે પણ 101 બોલમાં 80 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જોકે, મધ્યક્રમમાં વિકેટો પડતાં ભારતની સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી.
ભારતે 217 રનના સ્કોરે છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મનલ ચૌહાણે આક્રમક બેટિંગ કરીને 32 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મનલની ઇનિંગે ભારતને ફરીથી લક્ષ્યની નજીક પહોંચાડ્યું, પરંતુ 309 રનના સ્કોરે તેની વિકેટ પડતાં મેચ ફરી રોમાંચક બની ગઈ હતી.
અંતિમ સમયે મોહિત ઉલ્વાએ જવાબદારી સંભાળી હતી. તેણે 26 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ચિગુરુપતિ વેંકટાએ પણ અણનમ 11 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ છેલ્લી વિકેટ માટે જરૂરી રન પૂરા કરતાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવીને એક વિકેટથી ફાઇનલ જીતી લીધી હતી.
Published On - 6:43 pm, Sat, 14 November 26