
ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં શાનદાર વિજય મેળવ્યો હતો. ક્રાઈસ્ટચર્ચમાં પહેલી મેચમાં 226 રનના વિશાળ સ્કોરનો સરળતાથી પીછો કરનારી ભારતીય ટીમે મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં તે જ મેદાન પર બીજી T20માં 181 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. માત્ર 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હોવા છતાં વાઈસ કેપ્ટન તિલક વર્માની શાનદાર અડધી સદીના કારણે ભારતે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારતે ચાર વિકેટથી યાદગાર જીત સાથે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી.
સતત બીજી મેચમાં હેગલી ઓવલ ખાતે ટોસ હારીને ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ કરવાની ફરજ પડી. જોકે, આ વખતે પિચ પાછલી મેચ કરતા અલગ હતી, અને તેની અસર સ્પષ્ટ દેખાઈ. ન્યુઝીલેન્ડે પાવરપ્લેમાં ફક્ત 41 રનમાં તેમના ટોચના ત્રણ બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી. જે બાદ ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકબ્સે 116 રનની શાનદાર ભાગીદારી કરી.
ફિલિપ્સે સતત બીજી અડધી સદી ફટકારી, જેમાં તેણે ઈનિંગમાં 70 રન બનાવ્યા, જ્યારે જેકબ્સે પણ પોતાની અડધી સદી પૂરી કરી. અંતે, માઈકલ બ્રેસવેલે બે બોલમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ન્યૂઝીલેન્ડનો સ્કોર 180 સુધી પહોંચાડ્યો. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ રહ્યો, તેણે 33 રન આપીને બે વિકેટ લીધી.
ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી, પરંતુ સંજુ સેમસન અને અભિષેક શર્માએ ઇનિંગને વેગ આપ્યો. જોકે, પાંચમી ઓવરમાં સંજુ સેમસન આઉટ થયા અને પતન શરૂ થયું. વૈભવ સૂર્યવંશી પણ નિષ્ફળ ગયો, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યર પણ વહેલા આઉટ થયો. ભારતે માત્ર 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી, જેમાંથી ત્રણ કિવી કેપ્ટન મિશેલ સેન્ટનરે લીધી હતી.
અહીં, નમન ધીરે આક્રમક બેટિંગ કરીને ભારતીય ટીમને રમતમાં પાછી લાવી દીધી, પરંતુ સેન્ટનરે તેને પણ પેવેલિયન પાછો મોકલી દીધો. નમન 15મી ઓવરમાં આઉટ થયો ત્યારે સ્કોર 112 હતો. જે બાદ વાઈસ કેપ્ટન તિલક વર્મા નીતિશ કુમાર રેડ્ડી સાથે મળીને ટીમને લક્ષ્યની નજીક લઈ ગયો. ભારતને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી. તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ પાંચ બોલમાં 11 રન બનાવી ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. નીતિશ કુમાર રેડ્ડીએ બાઉન્ડ્રી ફટકારી ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો.
Published On - 4:27 pm, Sat, 24 October 26