
પાકિસ્તાનમાં હાલમાં પાકિસ્તાન સુપર લીગ ચાલી રહી છે. લીગની શરૂઆતમાં જ ઈસ્લામાબાદ યુનાઈટેડને મોટો ઝટકો લાગ્યો હતો. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાનીએ IPLમાં KKR સાથે કરાર મેળવ્યા બાદ PSLમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. ઈસ્લામાબાદ યુનાઈટેડને હવે બ્લેસિંગ મુઝારાબાનીનો વિકલ્પ મળી ગયો છે. ઈસ્લામાબાદ યુનાઈટેડે બે વર્ષના IPL પ્રતિબંધની સજા ભોગવી રહેલા ખેલાડીને તક આપી છે.
સ્ટાર ઈંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકે પાકિસ્તાન સુપર લીગમાં વાપસી કરી છે. ઈસ્લામાબાદ યુનાઈટેડે તેને ચાલુ ટુર્નામેન્ટ દરમિયાન વિદેશી ખેલાડી તરીકે કરારબદ્ધ કર્યો છે. તે બ્લેસિંગ મુઝારાબાનીનું સ્થાન લેશે અને કરાચીમાં રમવાનું શરૂ કરશે. બ્રુકની વાપસી PSL ચાહકો માટે સારા સમાચાર છે. આ ઈંગ્લિશ બેટ્સમેન અગાઉ પાકિસ્તાન સુપર લીગમાં સારું પ્રદર્શન કરી ચૂક્યો છે, અને તેની આક્રમક બેટિંગ હંમેશા સમાચારમાં રહે છે.
નોંધનીય છે કે હેરી બ્રુક આ વર્ષની IPLનો ભાગ નથી. તેને બે સિઝન (2026 અને 2027) માટે IPLમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને પ્રાથમિકતા આપવા માટે દિલ્હી કેપિટલ્સ સાથેના ₹6.25 કરોડના કરારમાંથી ખસી ગયો.
BCCIની કડક નીતિ હેઠળ, જે ખેલાડીઓ હરાજીમાં પસંદ થાય છે અને પછી ઈજા વિના ટુર્નામેન્ટમાંથી ખસી જાય છે તેમને બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડે છે. દિલ્હી કેપિટલ્સ સાથે બ્રુકનો આ બીજો કરાર ભંગ હતો, જેના પરિણામે આ સજા થઈ. હવે તે આગામી બે સિઝન માટે IPLમાં રમી શકશે નહીં, અને હરાજીમાં ભાગ લઈ શકશે નહીં.
હેરી બ્રુક છેલ્લે પાકિસ્તાન સુપર લીગ 2022 માં જોવા મળ્યો હતો. તેણે તે સિઝનમાં કુલ 10 મેચ રમી હતી, જેમાં 264 રન બનાવ્યા હતા. તેણે એક સદી પણ ફટકારી હતી. તેથી હેરી બ્રુકનું આગમન ઇસ્લામાબાદ યુનાઇટેડ માટે સારા સમાચાર છે, તે ટીમ માટે એક મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે.