
બેંગલુરુમાં ભાગદોડ કેસમાં RCB, DNA (ઈવેન્ટ મેનેજર), KSCA વહીવટી સમિતિ અને અન્ય લોકો વિરુદ્ધ ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. FIRમાં ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારીનો ઉલ્લેખ છે. IPL 2025 ફાઈનલમાં RCBની જીત બાદ, 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ખેલાડીઓ માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટમાં પણ ભાગદોડના કેસની સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે સરકારને 11 લોકોના મોત અને 50 થી વધુ લોકોના ઘાયલ થવાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ કેસની સુઓમોટો નોંધ લીધા બાદ રાજ્ય સરકારને નોટિસ જારી કરી હતી. 10 જૂન સુધીમાં વિગતવાર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચે કોર્ટ રજિસ્ટ્રીને આ મામલાને સુઓમોટો PIL તરીકે જોવા કહ્યું છે.
એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં મફત પ્રવેશની જાહેરાતને કારણે ગેટ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ મામલાને નકારાત્મક વલણથી જોવા માંગતી નથી. દોષારોપણ યોગ્ય નથી. અમારો ઉદ્દેશ્ય શું ખોટું થયું તે શોધવાનો અને ખાતરી કરવાનો છે કે આવી દુર્ઘટના ફરી ન બને.
ઉજવણી દરમિયાન સુરક્ષા કર્મચારીઓની તૈનાતી અંગે તેમણે કહ્યું કે સ્ટેડિયમની બહાર પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. સ્ટેડિયમની અંદર અને તેની આસપાસ 2.5 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. જ્યારે સ્ટેડિયમની ક્ષમતા લગભગ 30 હજાર છે. લોકોએ સ્ટેડિયમની અંદર આટલી મોટી ભીડનો અંદાજ નહોતો લગાવ્યો. આના પર, બેન્ચે કહ્યું કે મોટા જાહેર કાર્યક્રમો માટે SOPનું પાલન થવું જોઈતું હતું.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ હોવી જોઈતી હતી. આ સાથે, નજીકની હોસ્પિટલો વિશે સંપૂર્ણ વિગતો હોવી જોઈતી હતી. આના પર શશિ કિરણ શેટ્ટીએ કહ્યું કે એમ્બ્યુલન્સ ત્યાં હાજર હતી પણ આટલી મોટી ઘટના માટે પૂરતી નથી. મેજિસ્ટ્રેટ તપાસ શરૂ થઈ ગઈ છે અને તે 15 દિવસમાં પૂર્ણ થશે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ભૂલ ક્યાં થઈ. કોઈને પણ બક્ષવામાં આવી રહ્યું નથી.
આ પણ વાંચો: IND vs ENG : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ માટે ટીમની જાહેરાત, 3 વર્ષ બાદ આ ખેલાડીનું કમબેક