
BCCI ની સિનિયર સિલેક્શન કમિટીએ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે યુવા બેટ્સમેન તિલક વર્માને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘરેલુ ક્રિકેટ અને તાજેતરના ટુર્નામેન્ટમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ શ્રેણીમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી ઇનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. પસંદગીકારોએ સંજુ સેમસન અને ઇશાન કિશન બંને વિકેટકીપર-બેટ્સમેનને કીપિંગની ભૂમિકામાં જાળવી રાખ્યા છે. વધુમાં, ઓલરાઉન્ડર શિવમ દુબે અને અક્ષર પટેલ તથા વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈની સ્પિન જોડીની પણ પસંદગી કરવામાં આવી છે.
આ 15 સભ્યોની ટીમમાં ચાર ખેલાડીઓની પસંદગી તેમની ફિટનેસના આધારે કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ફિટનેસ ક્લિયરન્સ મળ્યા પછી જ શ્રેણીમાં તેમના રમવાનો નિર્ણય લેવામાં આવશે. આ ચાર ખેલાડીઓમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી, સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. ચારેય ખેલાડીઓ હાલમાં ઇજાથી પરેશાન છે . તેથી, તેમના રમવા અંગેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ શ્રેણીની ત્રણેય મેચ દેશની રાજધાની દિલ્હીમાં રમાશે. શ્રેણીની શરૂઆત 13 સપ્ટેમ્બરે પ્રથમ T20 મેચથી થશે, ત્યારબાદ બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. અફઘાનિસ્તાન આ શ્રેણીનું આયોજન કરશે, એટલે કે ભારત પોતાના જ ઘરઆંગણે મહેમાન ટીમ હશે.
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
Published On - 5:47 pm, Tue, 1 September 26