ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) થોડા દિવસોમાં શરૂ થશે. આઇપીએલ 2022 ની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થશે અને તેની સાથે જ રોમાંચની શરૂઆત થશે. ઘણા ખેલાડીઓ આ લીગમાં રમવાની ઈચ્છા ધરાવે છે. ઘણા મોટા દેશોના ખેલાડીઓ IPLમાં રમે છે પરંતુ ઘણા નાના દેશોના ખેલાડીઓને તક મળતી નથી. હવે જો કે આ વખતે આઈપીએલમાં ઝિમ્બાબ્વેનો પણ એક યુવા ખેલાડી રંગ બતાવશે. આ ખેલાડીનું નામ બ્લેસિંગ મુજરબાની (Blessing Muzarabani) છે. મુજરબાની આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટ્સ (lucknow Supergiansts) તરફથી રમતા જોવા મળશે.
તે ભારત આવવા માટે રવાના થઈ ગયો છે. ઝિમ્બાબ્વેમાં ભારતના રાજદૂત મુજરબાનીને મળ્યા અને તેને શુભેચ્છાઓ આપી હતી. રાજદૂતે લખનૌ સુપરજાયન્ટ્સની ટીમને પણ શુભેચ્છાઓ પાઠવી.
મુજરબાની હાલમાં ઝિમ્બાબ્વેના પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક છે. તેણે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. તેણે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો છે. PSLમાં તેણે ચાર મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને આઠથી ઓછી ઈકોનોમીમાં રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે. તેની પાસે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા છે.
તેની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તેણે પોતાના દેશ માટે 21 T20 મેચ રમી છે અને 25 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે પોતાના દેશ માટે ODI માં 30 મેચ રમી છે અને 39 વિકેટ લીધી છે. મુજરબાનીએ છ ટેસ્ટ મેચમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 19 વિકેટ લીધી છે.
લખનૌએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડને 7.5 કરોડ રૂપિયામાં સામેલ કર્યા હતો, પરંતુ ઈજાના કારણે તે આ સિઝનમાં રમી શકશે નહીં. ટીમ તેના રિપ્લેસમેન્ટની શોધમાં છે. આવી સ્થિતિમાં મુજરબાની તેમનો વિકલ્પ બની શકે છે. બંનેની સ્પીડ એક સરખી છે.આઈપીએલમાં રમી રહેલા મોટાભાગના ખેલાડીઓએ મુજરબાનીના બોલનો સામનો કર્યો નથી, તેથી તે સરપ્રાઈઝ પેકેજ પણ સાબિત થઈ શકે છે.
Published On - 9:15 am, Tue, 22 March 22