
ટી20 વર્લ્ડ કપ 2026 માં ઓસ્ટ્રેલિયન ટીમ અત્યાર સુધી તેના મુખ્ય ખેલાડીઓની ઈજાની સમસ્યાથી વધુ ઝઝૂમતી જોવા મળી છે. પેટ કમિન્સ બહાર થયા બાદ જોશ હેઝલવુડ પણ સ્ક્વોડનો હિસ્સો હોવા છતાં અનફિટ હોવાને કારણે બહાર થઈ ગયો હતો. ત્યારબાદ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની જગ્યાએ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે, જેમાં અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આઈસીસી (ICC) ટેકનિકલ કમિટીની મંજૂરી મળ્યા બાદ તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ ટી20 વર્લ્ડ કપ 2026 ના સ્ક્વોડમાં જોડાયેલા ઘણા ખેલાડીઓની ફિટનેસને ધ્યાનમાં રાખીને સ્ટીવ સ્મિથને બેકઅપ તરીકે બોલાવવાનો નિર્ણય પહેલા જ લઈ લીધો હતો, જેમાં તે ટીમ સાથે શ્રીલંકા પહોંચી પણ ગયો છે.
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન મિશેલ માર્શ શરૂઆતની 2 મેચમાં ઈજાના કારણે ન રમી શકતા સ્મિથને તેના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો, જેમાં તેણે 15 ફેબ્રુઆરીએ ટીમ સાથે ટ્રેનિંગ પણ કરી હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ટીમની સ્ક્વોડનો હિસ્સો બન્યા બાદ, જો જરૂર પડશે તો 16 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે રમાનારી મેચમાં સ્ટીવ સ્મિથ રમતો જોવા મળી શકે છે.
સ્મિથે છેલ્લે ફેબ્રુઆરી 2024માં ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. જો કે, હાલમાં જ પૂરી થયેલી બિગ બેશ લીગ (BBL) 2025-26 ની સીઝનમાં તે સિડની સિક્સર્સ તરફથી રમતા ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. સ્મિથે આ ટૂર્નામેન્ટમાં 59.80 ની સરેરાશથી કુલ 299 રન બનાવ્યા હતા. બીજી તરફ, ટી20 ઈન્ટરનેશનલમાં તેના રેકોર્ડ પર નજર કરીએ તો, તેણે 67 મેચમાં 24.86 ની સરેરાશથી કુલ 1094 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 125.45 નો રહ્યો છે.
ટી20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયન ટીમ ગ્રુપ-B નો હિસ્સો છે, જેમાં તેણે અત્યાર સુધી બે મેચ રમી છે. આ બે મેચમાંથી ટીમને એકમાં જીત મળી છે, જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં કાંગારૂ ટીમ પર ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાની તલવાર લટકી રહી છે.
ઓસ્ટ્રેલિયાએ તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમી હતી, જેમાં તેને 23 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમની નેટ રનરેટ પણ ઘણી ખરાબ થઈ ગઈ છે, જે અત્યારે માત્ર 1.100 છે. હવે જો ઓસ્ટ્રેલિયન ટીમ તેની બાકીની 2 મેચમાંથી એક પણ મેચમાં હારશે, તો તેના માટે સુપર-8માં પહોંચવાનો રસ્તો લગભગ બંધ થઈ જશે.
Published On - 1:50 pm, Mon, 16 February 26