IPL મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સે વધુ એક મોટો દાવ લગાવ્યો છે. થોડા સમય પહેલા ફ્રેન્ચાઈઝીએ રાહુલ દ્રવિડને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. હવે વિક્રમ રાઠોડનો બેટિંગ કોચ તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા તે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચની ભૂમિકામાં હતો. T20 વર્લ્ડ કપ 2024માં ભારતની જીતમાં રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડે મહત્વની ભૂમિકા ભજવી હતી. લગભગ 3 મહિના પછી બંને ફરી સાથે જોડાયા છે. આ પહેલા અફઘાનિસ્તાન સામે ન્યુઝીલેન્ડે પણ વિક્રમ રાઠોડને તેના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.
રાજસ્થાન રોયલ્સમાં જોડાયા બાદ વિક્રમ રાઠોડ રાહુલ દ્રવિડ અને યુવા ખેલાડીઓ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રાઠોડે કહ્યું, “હું ટીમના વિઝન અને લક્ષ્યને હાંસલ કરવા માટે મારું સંપૂર્ણ યોગદાન આપીશ. અમારો ઉદ્દેશ્ય રોયલ્સ અને ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ તૈયાર કરવાનો છે, જેઓ ચેમ્પિયનશિપ જીતી શકે.
વિક્રમ રાઠોડ રાજસ્થાન રોયલ્સમાં જોડાયા બાદ ટીમના મુખ્ય કોચે ખુશી વ્યક્ત કરી હતી. તેમજ ટીમ ઈન્ડિયાની જેમ જ IPL માં પણ રાજસ્થાન રોયલ્સ માટે સફળતા મેળવવાની વાત કરી હતી. દ્રવિડે વિક્રમની ટેકનિકલ કુશળતા અને ભારતીય પરિસ્થિતિના ઊંડા જ્ઞાનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ‘અમે સફળતા હાંસલ કરીને ટીમ ઈન્ડિયા માટે સારી ઓળખ બનાવી છે. હવે ફરી સાથે જોડાઈને અમે યુવા ખેલાડીઓને તૈયાર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
Rathour bhi, Royal bhi!
T20 World Cup winning coach Vikram Rathour joins our support staff and reunites with Rahul Dravid! pic.twitter.com/YbGvoMQyrv
— Rajasthan Royals (@rajasthanroyals) September 20, 2024
વિક્રમ રાઠોડે ભારત માટે 6 ટેસ્ટ અને 7 ODI મેચ રમી છે. આ સિવાય તે 2012માં ટીમ ઈન્ડિયાના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફનો એક ભાગ હતા. ત્યારબાદ 2019માં BCCIએ તેમને ભારતના બેટિંગ કોચની જવાબદારી સોંપી હતી. પાંચ વર્ષ સુધી આ ભૂમિકા નિભાવ્યા પછી, તેમણે T20 વર્લ્ડ કપ 2024 સમાપ્ત થતાની સાથે જ ટીમ ઈન્ડિયાને અલવિદા કહી દીધું.
IPLની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ટ્રોફી કબજે કરી હતી. ત્યાર બાદ ટીમ એક વખત પણ આ ખિતાબ જીતી શકી નથી. ટીમ 2022માં ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છેલ્લી સિઝનમાં તેમને ક્વોલિફાયર 2માં હારીને બહાર થવું પડ્યું હતું. હવે દ્રવિડ અને વિક્રમ રાઠોડના સમાવેશ બાદ રાજસ્થાન રોયલ્સ ટીમને પણ ભારતની જેમ ટ્રોફી જીતવાની આશા છે.
આ પણ વાંચો: IND vs BAN 1st Test : ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિગ્સમાં 376 રનમાં ઓલઆઉટ થઈ, હસન મહમૂદે લીધી 5 વિકેટ
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો