
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ આઈપીએલને સ્થિગત કરવામાં આવી છે. બીસીસીઆઈ ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. બુધવારના રોજ પાકિસ્તાને ભારતના અનેક શહેરોમાં ડ્રોન અટેક કર્યો હતો. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા મિસાઈલ અને ડ્રોનથી અટેક કર્યો હતો પરંતુ આ હુમલાની અસર આઈપીએલ પર જોવા મળી હતી. આઈપીએલની 58મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહી હતી. તેને પણ અધવચ્ચે બંધ કરવાની ફરજ પડી હતી.
22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મોટું એક્શન લીધું છે. ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીના 9 ઠેકાણા હુમલો કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન ડરી ગયું અને એક બાદ એક નાપાક હરકત કરવા લાગ્યું હતુ. જેનો હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળી રહ્યો છે. આ વચ્ચે આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, બાકીની મેચો પછીથી યોજાશે. બાકીની મેચો ક્યારે અને ક્યાં રમાશે તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
બીસીસીઆઈ ટુંક સમયમાં જ વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં મોકલી દેશે. તમને જણાવી દઈએ કે, વિદેશી ખેલાડીઓની સાથે તેનો પરિવાર પણ હાલમાં ભારતમાં છે.ત્યારે બીસીસીઆઈ હાલમાં કોઈ મોટું જોખમ ઉઠાવવા માંગતુ નથી. બીસીસીઆઈના એક અધિકારીએ લીગના સસ્પેન્ડની પુષ્ટિ કરતા પીટીઆઈને કહ્યું એ સારું લાગતું નથી કે, જ્યારે દેશમાં યુદ્ધ ચાલતું હોય અને ક્રિકેટ પણ રમાય
આઈપીએલ 2025ની હાલની સીઝનમાં કુલ 57 મેચ રમાઈ છે. આ દરમિયાન 58મી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી. આ સીઝનમાં કુલ 74 મેચ રમવાની હતી, જે 25 મેના રોજ કોલકાતામાં સમાપ્ત થવાની હતી. આવી સ્થિતિમાં, હવે બાકીની મેચો માટે નવું શેડ્યૂલ બનાવવામાં આવશે. અગાઉ 2021માં પણ આ જોવા મળ્યું હતું, જ્યારે લીગને સીઝનની મધ્યમાં સ્થગિત કરવામાં આવી હતી. કોરોનાને કારણે IPL 2021 સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ બાકીની મેચો યુએઈમાં યોજાઈ હતી.
Published On - 12:20 pm, Fri, 9 May 25