
કટકમાં રમાયેલી પહેલી T20Iમાં હાર્દિક પંડ્યા દક્ષિણ આફ્રિકા સામે દિવાલની જેમ ઉભો રહ્યો. તેણે પહેલા બેટથી દક્ષિણ આફ્રિકન બોલરોને ફટકાર્યા અને બાદમાં બોલથી ડેવિડ મિલરની મહત્વપૂર્ણ વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકા સામેના તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી, હાર્દિક પંડ્યાએ સાબિત કર્યું કે તે શા માટે વાઈટ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે આટલો મહત્વપૂર્ણ છે. કટકમાં મેચ બાદ હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માનો પણ ખાસ ઉલ્લેખ કર્યો.
પહેલા બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે કટકમાં ક્રીઝ પર હાર્દિક પંડ્યા આવ્યો. અડધી ટીમ ડગઆઉટમાં પાછી ફરી હતી. છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા હાર્દિક પંડ્યાએ જોરદાર ફટકાબાજી કરી. 210.71 ના સ્ટ્રાઈક રેટથી રમતા તેણે માત્ર 28 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાની વિસ્ફોટક ઇનિંગમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગાનો સમાવેશ થાય છે.
પોતાના જોરદાર બેટિંગ પ્રદર્શન પછી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલ સાથે પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 2 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી, જેમાં ડેવિડ મિલરની વિકેટ સામેલ હતી. બેટ અને બોલ બંને સાથેના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
દક્ષિણ આફ્રિકા સામેની મેચનો હીરો બન્યા પછી, હાર્દિક પંડ્યાએ તેની રમત પાછળની માનસિકતા સમજાવી. પોતાની માનસિકતા વિશે, પંડ્યાએ કહ્યું કે તેનો હેતુ દરેક મેચ સાથે વધુ મજબૂત અને સારો બનવાનો છે. તેણે સમજાવ્યું કે જ્યારે પણ તે બેટિંગ કરવા માટે આવે છે, ત્યારે તે એ વિચારીને આવે છે કે સ્ટેડિયમમાં રહેલા ચાહકો તેને બેટિંગ કરતા જોવાની રાહ જોઈ રહ્યા છે.
ગર્લફ્રેન્ડ મહિકા શર્માનો ઉલ્લેખ કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું, “હું ખાસ કરીને તેના વિશે વાત કરવા માંગુ છું. જ્યારથી તે મારા જીવનમાં આવી છે, ત્યારથી મારા માટે બધું સારું રહ્યું છે.”
આ પણ વાંચો: IPL 2026 Auction : કોણ છે આ 6 ખેલાડીઓ જેના પર સૌથી પહેલા બોલી લાગશે? લિસ્ટમાં બે ભારતીય પણ સામેલ