
કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games) માટે કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ તે પહેલા જ ભારતને એક પછી એક ઝટકાનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા 6 ભારતીય ખેલાડીઓ ડોપિંગને કારણે આઉટ થયા હતા. ત્યારે ગોલ્ડ મેડલનો મજબૂત દાવેદાર નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. હવે 2 મહિલા ક્રિકેટરોના કોરોના પોઝિટિવને કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં છે. બેટ્સમેન એસ મેઘના અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમને ભારતમાં જ રહેવાની ફરજ પડી છે.
ભારતને ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ રમવાની છે અને આ મેચ પહેલા ભારતને 2 ઝટકા લાગ્યા છે. ટીમ ઈન્ડિયા રવિવારે સવારે બર્મિંગહામ જવા રવાના થઈ હતી, પરંતુ પૂજા અને મેઘના ટીમનો સાથ આપી શક્યા ન હતા. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પહેલા એક જ સભ્યના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે પૂજા વસ્ત્રાકર અને મેઘના કોરોનાની ઝપેટમાં આવી છે અને બંને ભારતમાં છે.
બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે બંને ખેલાડીઓ ત્યારે જ ટીમ સાથે જોડાઈ શકે છે, જ્યારે બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે. બંને ખેલાડીઓ પહેલી મેચમાં રમે તેવી શક્યતા પણ નથી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચ 3 ઓગસ્ટે રમશે. કોમનવેલ્થ ગેમ્સમાં ઉતરતા પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે અમે આને લઈને ઉત્સુક છીએ. અમને વારંવાર તેનો અનુભવ કરવાની તક મળતી નથી. ઓપનિંગ સેરેમની અમારા બધા માટે ખાસ બનશે.
નીરજ ઈજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયો. તેના સિવાય 6 ભારતીય ખેલાડીઓ ડોપિંગને કારણે બહાર થઈ ગયા છે. તેમાં દોડવીર ધનલક્ષ્મી, ટ્રિપલ જમ્પ નેશનલ રેકોર્ડ હોલ્ડર ઐશ્વર્યા બાબુ, શોટપુટની IF1 કેટેગરીમાં અનીશ કુમાર, પાવરલિફ્ટર ગીતા અને ભારતીય રિલે ટીમના 2 સભ્યો સામેલ છે.