
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે શુક્રવારે એશિયા કપ 2025ના અંતિમ સુપર 4 મેચમાં શ્રીલંકા સામે સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો. આ સાથે, ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો વિજય ક્રમ જાળવી રાખ્યો.
ભારતે ભલે શ્રીલંકાને હરાવ્યું હોય, પરંતુ ઈજાઓએ ટીમની ચિંતામાં વધારો કર્યો છે. મેચ દરમિયાન, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઇન-ફોર્મ ઓપનર અભિષેક શર્મા ઘાયલ થઈને મેદાન છોડી ગયા હતા. પાકિસ્તાન સામેની ફાઇનલ માટે આ બંને સ્ટાર્સ મહત્વપૂર્ણ છે.
હાર્દિક પોતાની ડાબી હેમસ્ટ્રિંગ ઇજાથી સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગતું હતું. શ્રીલંકાની ઇનિંગની પહેલી ઓવર ફેંક્યા પછી તે મેદાન છોડીને ગયો હતો. હાર્દિકે પોતાની પહેલી ઓવરમાં કુસલ મેન્ડિસને આઉટ કર્યો, જે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. પહેલી ઓવર પછી હાર્દિક મેદાનમાં પાછો ફર્યો નહીં.
બીજી તરફ નવમી ઓવર દરમિયાન અભિષેક શર્મા થોડો અસ્વસ્થ જોવા મળ્યો. દોડતી વખતે તે તેની જમણો પગ પકડીને ચાલતો જોવા મળ્યો. આખરે તેને દસમી ઓવરમાં મેદાન છોડવું પડ્યું. હાર્દિક અને અભિષેકે શ્રીલંકાની ઇનિંગના બાકીના સમય માટે ક્રેંપ્સ દૂર કરવા માટે બરફનો સહારો લેતા પણ જોવા મળ્યા.
મોર્ને મોર્કેલે પત્રકારોને જણાવ્યું હતું કે, બંનેને મેચ દરમિયાન નસ ચડી જવાની સામનો કરવો પડ્યો હતો. અમે આજે રાત્રે અને કાલે સવારે હાર્દિકનું મૂલ્યાંકન કરીશું અને પછી નિર્ણય લઈશું. અભિષેક ઠીક છે.” મોર્કેલે એ પણ ખુલાસો કર્યો કે, પાકિસ્તાન સામે એશિયા કપ 2025 ફાઇનલના એક દિવસ પહેલા, શનિવારે ભારત કોઈ તાલીમ સત્ર નહીં રાખે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલરે કહ્યું કે મેનેજમેન્ટ ઇચ્છે છે કે દરેક ખેલાડી સારી રીતે રેસ્ટ લે.
મોર્કેલે કહ્યું, “ખેલાડીઓ માટે આરામ સૌથી મહત્વપૂર્ણ છે. મેચ પછી તરત જ તેમની રિકવરી શરૂ થઈ ગઈ. રિકવરીનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેઓ ઊંઘે અને આરામ કરે.
Published On - 7:35 pm, Sat, 27 September 25