
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસી વિધાનસભા પક્ષમાં સૌ પ્રથમ વિભાજન થયું હતું. વિધાનસભા પક્ષમાં પડેલા ભાગલા બાદ હવે સંસદીય પક્ષમાં ભંગાણ અનિવાર્ય લાગે છે. બળવાખોર તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં સુવેન્દુ અધિકારી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ભૂપેન્દ્ર યાદવના ઘરે મળેલી બેઠક બાદ, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર સુપરત કર્યો હતો. આ પત્રમાં 20 ટીએમસી સાંસદોના હસ્તાક્ષર છે. કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભામાં ટીએમસીના સ્થાને પત્રમાં સહી કરનારા 20 સાંસદોએ અલગ જૂથ બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
એક તરફ, મમતા બેનર્જી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા તો બીજી તરફ, બળવાખોર સાંસદોએ લોકસભાના સ્પીકરને એક અલગ જૂથને માન્યતા આપવાની માંગ કરતો પત્ર સુપરત કર્યો. તેમણે તૃણમૂલ સંસદીય પક્ષ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. 8 જૂનને સોમવારે બપોરે, બરાબર 12:53 વાગ્યે આ પત્ર સુપરત કરવામાં આવ્યો હતો.
લોકસભામાં તૃણમૂલ કોગ્રેસના કુલ 28 સાંસદો છે. કાકોલીએ જણાવ્યું હતું કે તેમાંથી 20 સાંસદોએ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે કોણે એ પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યાદીમાં કાકોલી ઘોષ દસ્તીદાર, પ્રસૂન બેનર્જી, પાર્થ ભૌમિક, શર્મિલા સરકાર, અસિત માલ, જગદીશ બાસુનિયા, કાલીપદ સોરેન, અરૂપ ચક્રવર્તી, રચના બેનર્જી અને દેવનો સમાવેશ થાય છે. આ પહેલા, તૃણમૂલ કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ સુખેન્દુ શેખર રોયે તેમના સંસદીય પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કાકોલી ઘોષ દ્વારા રજૂ કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા નથી. જોકે, તેઓ NDAમાં જોડાવાનો ઇરાદો ધરાવે છે. ખાસ કરીને, તેઓ તૃણમૂલના એક અલગ જૂથ તરીકે NDA ગઠબંધનનો ભાગ બનવા માંગે છે. આનો અર્થ એ થાય કે, જો પત્ર સ્વીકારવામાં આવે તો, તૃણમૂલ સંસદીય પક્ષ વિભાજીત થઈ જશે. નોંધનીય છે કે, ઓમ બિરલા સોમવારે લોકસભામાં હાજર નહોતા, કારણ કે તેઓ બીજા રાજ્યમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા છે; પરિણામે, ટીએમસીના સાંસદોનો પત્ર તેમના કાર્યાલયમાં સુપરત કરવામાં આવ્યો છે.
કાકોલી ઘોષ દસ્તીદારે આજે તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય દંડક તરીકે પત્ર રજૂ કર્યો હતો. જોકે મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલા તેમને તે પદ પરથી દૂર કર્યા હતા. તેમના સ્થાને કલ્યાણ બેનર્જીની નિમણૂક કરી હતી. કાકોલી દલીલ કરે છે કે તેમને હટાવવાની હજુ સુધી સત્તાવાર રીતે લોકસભાના રેકોર્ડમાં નોંધ કરવામાં આવી નથી, કારણ કે નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી ગૃહનું સત્ર ચાલુ નહોતું. આ દલીલના આધારે, તેમણે મુખ્ય દંડક તરીકે પોતાનો દરજ્જાથી દાવો કર્યો અને પત્ર રજૂ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય પક્ષમાં પહેલાથી જ વિભાજન થઈ ચૂક્યું છે. ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં, 58 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને એક અલગ જૂથની રચનાનો દાવો કર્યો હતો, જેને સ્પીકરે માન્યતા આપી છે. હવે, ધારાસભ્યોમાં વિભાજન પછી, ટીએમસીના સંસદીય દળમાં પણ ભંગાણ લગભગ નિશ્ચિત લાગે છે.