સોના માટે શરૂ થયા ‘ગોલ્ડન મંથ’! સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મળે છે ‘તગડું રિટર્ન’, આ 2 મહિના રોકાણકારો માટે ‘જેકપોટ’ સમાન
વૈશ્વિક બજારોથી લઈને ભારતીય બજાર સુધી સપ્ટેમ્બર મહિનો સોનાના રોકાણકારો માટે હંમેશા ઉથલપાથલ ભર્યો રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં 7 વાર સોનામાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાંય, વર્ષ 2015 માં 27,000 ના ભાવથી શરૂ થયેલું સોનું આજે 1,50,000 ને પાર કેવી રીતે પહોંચ્યું? બીજું કે, તહેવારો પહેલા સોનાની ચાલ કેવી હોય છે?

નાણાકીય બજારના ઇતિહાસમાં સપ્ટેમ્બર મહિનાને અવારનવાર એક અનોખા મોસમી દબાણ માટે ઓળખવામાં આવે છે, જેને ઇકોનોમિસ્ટ્સ અને ટ્રેડર્સ 'સપ્ટેમ્બર ઇફેક્ટ' કહે છે. ઐતિહાસિક રીતે એવું જોવામાં આવ્યું છે કે, ઉનાળાની રજાઓ પછી સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors) પોતાના પોર્ટફોલિયોને રીબેલેન્સ કરે છે, ટેક્સ-લોસ હાર્વેસ્ટિંગની તૈયારી કરે છે અને જોખમી અસ્કયામતો (Risk Assets) માંથી નફો વસૂલ (Profit Booking) કરે છે.

શેરબજારમાં નબળાઈ અને મંદીની આ અસર માત્ર ઇક્વિટી સુધી મર્યાદિત નથી રહેતી પરંતુ તે કોમોડિટી અને કિંમતી ધાતુઓના વલણને પણ ઊંડાણપૂર્વક પ્રભાવિત કરે છે. બીજી તરફ, ભારતીય બજારના 5 વર્ષના ગોલ્ડ પ્રાઇસ ચાર્ટ પર નજર કરીએ તો, વર્ષ 2021 થી વર્ષ 2024 ના શરૂઆતના સમયગાળા સુધી સોનાની ચાલી ધીમી અને સ્થિર ગતિએ આગળ વધી રહી હતી. તે સમયે કિંમતો રૂ. 4,000 થી રૂ. 6,000 પ્રતિ ગ્રામના દાયરામાં ફરતી રહી હતી, જેણે રોકાણકારોને એક મજબૂત આધાર આપ્યો હતો.

અસલી ઉછાળો વર્ષ 2024 ના અંત અને વર્ષ 2025 દરમિયાન જોવા મળ્યો, જ્યારે જીઓ-પોલિટિકલ ટેન્શન, ફુગાવો (મોંઘવારી) અને સેન્ટ્રલ બેન્કોની એગ્રેસિવ ખરીદીના કારણે કિંમતો સીધી રૂ. 15,739 પ્રતિ ગ્રામની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગઈ. જો કે, આટલી મોટી રેલી પછી બજારમાં હેલ્ધી કરેક્શન અને પ્રોફિટ બુકિંગ આવવું સ્વાભાવિક માનવામાં આવે છે.

સોનાના છેલ્લા એક દાયકાના માસિક રિટર્ન પર નજર કરીએ તો, સપ્ટેમ્બર મહિનો મોટાભાગના સમયે દબાણમાં રહ્યો છે. વર્ષ 2015 થી વર્ષ 2024 ના 10 વર્ષ દરમિયાન 7 વખત સપ્ટેમ્બર મહિનામાં સોનાએ નેગેટિવ રિટર્ન આપ્યું છે. વર્ષ 2015 માં આ મહિને સોનામાં 3.10 ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017 માં 0.63 ટકા, વર્ષ 2019 માં 3.82 ટકા અને વર્ષ 2020 માં 2.64 ટકાનું નુકસાન નોંધાયું હતું. આવી જ રીતે વર્ષ 2021 માં 1.27 ટકા, વર્ષ 2022 માં 0.44 ટકા અને વર્ષ 2023 માં 2.99 ટકાની નબળાઈ જોવા મળી હતી.

હવે આમાં એવું નથી કે, સપ્ટેમ્બરમાં ક્યારેય ચમક નથી દેખાઈ. વર્ષ 2016 અને વર્ષ 2018 માં મામૂલી વધારો નોંધાયો હતો પરંતુ અસલી બદલાવ છેલ્લા કેટલાક વર્ષોમાં દેખાયો. વર્ષ 2024 ના સપ્ટેમ્બરમાં સોનાએ 5.59 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025 ના સપ્ટેમ્બરમાં તો અણધાર્યો ઉછાળો આવ્યો, જ્યારે કિંમતોમાં 12.95 ટકાની ભારે તેજી નોંધાઈ હતી. તાજેતરના આંકડા અનુસાર, વર્ષ 2026 ના સપ્ટેમ્બરમાં ભાવ ફરીથી 0.95 ટકાના મામૂલી ઘટાડા સાથે 1,53,000 ની સપાટી પર જોવા મળ્યા છે.

છેલ્લા 10 વર્ષના આંકડા પર નજર કરીએ તો, સોનાએ સુરક્ષિત રોકાણની સાથે સાથે એક મજબૂત વેલ્થ ક્રિએટર તરીકે પોતાની શાખ મજબૂત કરી છે. વર્ષ 2015 માં જ્યાં સોનાનું વાર્ષિક રિટર્ન -6.64 ટકા રહ્યું હતું, ત્યાં આ પછીની સફરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. વર્ષ 2016 માં 10.08 ટકા, વર્ષ 2019 માં 24.90 ટકા, વર્ષ 2020 માં 27.91 ટકા, વર્ષ 2024 માં 21.43 ટકા અને વર્ષ 2025 માં ઐતિહાસિક 76.48 ટકાની છલાંગ સાથે એકંદર સરેરાશ વાર્ષિક રિટર્ન લગભગ 16 ટકાની આસપાસ રહ્યું હતું. કિંમતોની દ્રષ્ટિએ જોઈએ તો, વર્ષ 2015 ની શરૂઆતમાં રૂ. 27,895 ની સપાટી પર ટ્રેડ કરતું સોનું વર્ષ 2025 ના અંત સુધીમાં રૂ. 1,35,447 પર પહોંચી ગયું, જેણે રોકાણકારોની મૂડીને 4.8 ગણાથી પણ વધુ વધારી દીધી.

જો મહિના-દર-મહિનાના ઐતિહાસિક ટ્રેન્ડ અને મોસમી એવરેજની વાત કરીએ, તો સોનાનું પ્રદર્શન વર્ષના અલગ-અલગ ફેઝમાં ઘણું અલગ રહ્યું છે. છેલ્લા 5 વર્ષના માસિક એવરેજ વલણ મુજબ, માર્ચમાં 4.75 ટકાનો વધારો થયો, તો બીજા નંબરે ઓક્ટોબરમાં 3.13 ટકાનો ઉછાળો આવ્યો. આ સિવાય જ્યારે સપ્ટેમ્બરમાં ગોલ્ડમાં 2.77 ટકાની તેજી જોવા મળી હતી. આના પરથી ખબર પડે છે કે, તહેવારોની સીઝન પહેલા એટલે કે સપ્ટેમ્બરમાં ગોલ્ડની ચમક ઓક્ટોબરની સરખામણીએ ઓછી જ રહે છે.

ભલે વિશ્વભરમાં સપ્ટેમ્બર મહિનો વેચવાલી અને કન્સોલિડેશનનું દબાણ લઈને આવે છે પરંતુ ભારતીય સંદર્ભમાં ચિત્ર પાસાનું બીજું પાસું પણ છે. ભારતમાં સપ્ટેમ્બરના અંતથી મુખ્ય તહેવારોની સીઝન જેમ કે નવરાત્રિ, દશેરા અને ધનતેરસની શરૂઆત થાય છે, જેની તરત જ પછી લગ્નસરાની મોસમ શરૂ થઈ જાય છે. આ સ્થાનિક માંગ (Domestic Demand) અવારનવાર સપ્ટેમ્બર ઇફેક્ટના કારણે થતા ભારે નુકસાનને મર્યાદિત કરી દે છે. આવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવતા કોઈપણ ઘટાડાને ભારતીય ખરીદદારો અવારનવાર દાગીના અને રોકાણ માટે સોનાની ખરીદી કરવાની તક તરીકે જુએ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સોના-ચાંદી છોડો… આ ધાતુ બની રહી છે સોનાથી પણ વધુ કિંમતી! કિંમત રેકોર્ડ હાઈ પર
