
ભારતમાં જો કોઈને પૂછવામાં આવે કે આઈસ્ક્રીમ ક્યારે ખવાય? તો જવાબ મળશે 'ઉનાળામાં'. પરંતુ કર્ણાટકનું મંગલુરુ (મેંગલોર) શહેર આ માન્યતાને સાવ ખોટી પાડે છે. આ શહેરને અધિકૃત રીતે 'આઈસ્ક્રીમ કેપિટલ ઓફ ઈન્ડિયા' (Ice Cream Capital of India) તરીકે ઓળખવામાં આવે છે.

રાત્રે આઈસ્ક્રીમ ખાવાનું અનોખું કલ્ચર: મંગલુરુની (મેંગલોર) સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંના લોકો માટે ડિનર (ભોજન) પછી આઈસ્ક્રીમ ખાવી એ એક પરંપરા બની ગઈ છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ધોધમાર વરસાદ, અહીંના આઈસ્ક્રીમ પાર્લરો મોડી રાત સુધી ચાલું હોય છે. આ શોખ માત્ર શ્રીમંતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ મજબૂત ડેરી નેટવર્કને કારણે અહીં દરેક વર્ગના લોકો ખૂબ જ સસ્તા દરે આઈસ્ક્રીમનો આનંદ માણે છે.

ગડબડ' અને અનોખા ફ્લેવર્સનું જન્મસ્થાન : મંગલુરુ તેની અનોખી આઈસ્ક્રીમ ડિશ 'ગડબડ' (Gadbad) માટે વિશ્વભરમાં જાણીતું છે. આ ડિશમાં આઈસ્ક્રીમ, ફળો, જેલી અને ડ્રાયફ્રૂટ્સના અનેક લેયર્સ હોય છે. આ ઉપરાંત, અહીં સ્થાનિક સ્વાદ મુજબ ફણસ (Jackfruit), નારિયેળ અને ગોળમાંથી બનેલી 'પનક' આઈસ્ક્રીમ જેવા અનોખા ફ્લેવર્સ મળે છે, જે તમને ભારતના અન્ય કોઈ શહેરમાં જોવા નહીં મળે.

મોટા બ્રાન્ડ્સનું ગઢ: દક્ષિણ ભારતની પ્રખ્યાત આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ જેવા કે Ideal Ice Cream, Hangyo અને Rayan ની શરૂઆત આ જ ભૂમિ પરથી થઈ હતી. અહીં એવા વિશાળ આઈસ્ક્રીમ પાર્લરો છે જ્યાં એકસાથે સેંકડો લોકો બેસી શકે છે, જે આ શહેરની આઈસ્ક્રીમ પ્રત્યેની દીવાનગી દર્શાવે છે.

પરંપરા કેવી રીતે શરૂ થઈ?: 20મી સદીની શરૂઆતમાં અહીં આઈસ્ક્રીમનું ચલણ વધ્યું હતું. દરિયાકાંઠાની આબોહવા અને કુટુંબ દ્વારા ચલાવવામાં આવતા સસ્તા પાર્લરોને કારણે આઈસ્ક્રીમ અહીંના લોકોની રોજિંદી જિંદગી અને ઓળખનો એક મહત્વનો હિસ્સો બની ગઈ છે.